“જાનું. બહાર જઇને જોઇ આવ તો દિવસ છે કે રાત?” બેબી ડાર્લિંગનો જાનુંને આદેશ.
“ હની! બેબી! બહાર શું જવાનું?”
“ કેમ? ડીયર?”પત્ની લાડ ઘેલા શબ્દોથી પ્રગલ્લભ પતિને પૂછે.
“ જો બહાર સૂરજ હશે તો દિવસ હશે” પતિનો જવાબ.
“હમમ્” સ્વીટ પત્ની મલકાઇ.
“પણપ. પણ,પ.” પતિ થોથવાયો!
“શું પણ ? “ પત્નીની ઉલટ તપાસ
પણ તું રાત કહીશ તો હું દિવસ કેવી રીતે કહી શકાશે!” પતિનો ખુલાસો.
“હમમ્ .વેરી સ્માર્ટ હબી” પત્ની હબી પર વારી ગઇ.
“ડિયર રાત કે દિવસ?”
“બેબી. એઝ પર યોર વિશીશ. જો તું રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ” પતિનો ફાઇનલ જવાબ
“હાઉ સ્વિટ મુનું. આઇ લવ યુ”
“આઇ લવ યુ ટુ”
પતિ પત્ની વચ્ચે આવું બોન્ડીંગ હોય છે લગ્ન પછી આપણો ચણિયો અને આપણા લુંગી થઇ જાય છે. વ્યકિતગત માલિકીનો વિલય થઇ જાય છે. પતિને દાળઢોકળીનો ડખો ન ભાવે તો પણ પત્નીની પસંદગીને વધાવી લે છે. પત્નીને પુડલા દીઠે ડોળે પસંદ નથી .છતાં, પતિની પસંદને વધાવી લે છે!!
આમ, પરસ્પરને પ્રેમ કરતાં વ્યકિતગત ગમા-અણગમા ઓગાળીને એકમેકમાં ઓતપ્રોત થાય છે!!
સરકારી નોકરીની ભરતી પસંદગી કરતી સંસ્થાઓ ગમે તેટલા પ્રયત્નો કરે પણ એના માથે છાણા થાપવામાં આવે છે. પરીક્ષાની જાહેરાત આપવા, અરજીઓ મેળવવા, અરજીઓની ચકાસણી કરવી, પરીક્ષા કેન્દ્રો મેળવવા બીજી કોઇ તારીખો અથડાય તેવી તારીખોએ પરીક્ષા યોજવી, પેપરો કાઢવા, પરીક્ષા યોજવાનો સ્ટાફ મેળવવો, પરીક્ષા પૂરી થાય એટલે જવાબવહીઓ મેળવવી, તેનું મૂલ્યાકન કરાવવું, મૂલ્યાંકનના આધારે પસંદગી યાદી બનાવવી, પસંદગી યાદી બનાવવાનાં અનામત, મેરીટોરિયસ રીઝર્વ કેટેગરીના ઉમેદવારને ઓપન કેટેગરીમાં ગોઠવવા, મહિલા અનામતનું ધ્યાન રાખવું રીઝર્વેશન વિધીન રીઝર્વેશન નિભાવવું, વેઈટીંગ લિસ્ટ બનાવવું.!તમને એક પેરેગ્રાફ જેવું લાગે છે. વાસ્તવમાં આ પડકારજનક ભગીરથ કાર્ય છે.તલવારની ધાર પર ચાલવા દેવું વિલક્ષણ કામ છે. કોલસાની દલાલી જેવું કામ છે. રૂ અને પોટાશને અડોઅડ રાખવા જેવું કામ છે. આગ અને ઘી પાસે રાખો એટલે ભડકો થાય. દસમાંથી નવ પરીક્ષામાં સાંગોપાંગ ઉતરોને એકમાં લોચો થાય એટલે મુની બદનામ હુઇ ડાર્લિંગ તેરે લીએ જેવો ઘાટ થાય!!
માનીએ કે દેશના વિકાસનો માપદંડ કે પેરામિટર પરીક્ષાના પેપરો લિક થવા કે ફૂટવાનો હોય તો કોઇ હરીફાઈ વિના આપણો નંબર આવે! અહીં લોકોને ટીકા કરવા સિવાય કોઇ હકારાત્મક કે રચનાત્મક કામ નથી.એક ભરતીની પરીક્ષાનું પરિણામ લઇ ખાંખાંખોળા કરે કે ફલાણી અટકવાના કે નાતવાળા છોકરા છોકરી કુલ પરિણામમાં ૪૩% છે.એક જ કુટુંબના તેર જણા સિલેકટ થયા છે! અરે તારી ભલી થાય ચમના !! તને એમાં શું પેટમાં દુખે છે? તારો ઓટીવાળ-ઉબેટ છોકરો સિલેકટ ન થયો તેમાં તેજપુરી મરચા લાગ્યા છે?? ગામની ચોવટ કરવાની જગ્યાએ ગગામાં ધ્યાન દીધું હોત તો આ નોબત આવી ન હોત!!
કોઇ ભરતી બોર્ડે પરીક્ષા લીધી. પેપર લિક ન થયા કે ફટાકડાની જેમ ફૂટ્યા નહીં. વાંકદેખાઓને શું વાંક કાઢી શકે? છેવટે એક દંપતી હડફેટે ચઢી ગયું. બંનેને ગએકસરખા માર્ક મળ્યા. બળ્યું જેવું જેનું નસીબ. બંનેના પરીક્ષા કેન્દ્રો અલગઅલગ શહેરોમાં ફાળવવામાં આવેલ હતા . બંનેની ઓએમઆરશીટ ચેક કરી. બંનેએ તમામ સવાલોના વિકલ્પ પણ સરખા ભરેલ હતા!! અઢાર વાંકા અંગવાળો ઉંટતમામ પ્રાણીના અંગ વાંકા એમ એક કવિતામાં કહે છે. જેમાં કવિ એમ કહે છે “ દાખે દલપતરામ અન્યના તો એક વાંકા આપના અઢાર છે!!હવે વાંકદેખા કહે છે કે આ બંને સામે તપાસ કરો કે આવી ગેરરીતિ કંઇ રીતે કરી?
અરે ભાઇ પતિ પત્નીની વાત ઉથાપી શકે? પરીક્ષાનું વાંચતી વખતે ભારતની રાજધાની ભોપાલ છે એમ પત્ની કહે કયો પતિ વિરોધ કરીને કહે કે ભારતની રાજધાની દિલ્હી છે??જયાં આવું હોય તો જવાબો સરખા ન આવે તો અલગ જવાબો આવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય??
– ભરત વૈષ્ણવ