મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં ઇનોવેટિવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ દ્વારા 2000 કેટલાંક શૈક્ષણિક રમકડા બનાવવામાં આવ્યા છે. આવા રમકડાંનો ઉપયોગ જુદી જુદી બીજી શાળામાં થાય તેવા હેતુથી પીડીલાઈટ સંચાલિત ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનમાં બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતાં 22 બહેનો અને બે ભાઈઓ ને સાથે લઈ અશોકભાઈ પટેલ એક્સપોઝર વિઝીટ માટે આવ્યા હતા.
ઈનોવેટીવ શિક્ષક દંપતીએ રમકડા નિર્માણનો હેતુ અને તેના જુદાજુદા ઉપયોગ વિશેની માહિતી આપી હતી. કાર્યક્રમના અનુસંધાને કુંભણ કેન્દ્રવર્તી શાળામાં કામ કરતાં ઈનોવેટીવ શિક્ષક રમેશભાઈ બારડનો પરિચય આપતા જણાવ્યું હતું કે લોકભારતી અને આંબલા ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા સંસ્થાના વિદ્યાર્થી તરીકે સંસ્કાર વારસાની ઝાંખી કરાવી હતી. સાથે સાથે સફાઈ, વણાટકામ, ગૃહકાર્ય, શ્રમ, ખાદી, બાગાયત, ખેતી, પશુપાલન, ગૃહવિજ્ઞાન, સ્વયંપાક, ખજાનાની શોધ જેવા નમૂનારૂપ કામની મહત્તા દર્શાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સમય દરમિયાન વર્ક ફ્રોમ હોમ ના સમયમાં કુંભણ શાળાના ઈનોવેટીવ દંપતિએ 2 હજાર જેટલા શૈક્ષણિક રમકડાં બનાવી ઘરે ઘરે જઈને શિક્ષણ આપેલ હતું. અને કોરોના પરિસ્થિતિ ને ‘આફતને અવસર’ મા બદલી હતી. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ માટે મહુવા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.