ભાવનગર, તા.૬
ઉનાળાની સીઝન શરૂ થતા જ ભાવનગર શહેર જીલ્લાની બજારોમાં અને ખાસ કરીને દુકાન અને લારીઓમાં દ્રાક્ષનું વેચાણ શરૂ થાય છે . દ્રાક્ષએ એક બેરી (ઠળીયા વિનાના રસાળ ફળ) પ્રજાતિનું ફળ છે . વનસ્પતિ શાસ્ત્ર અનુસાર આ એક ક્લાઇ મેક્ટેરીક ફ્રૂટ અને તેની વેલની પ્રજાતિ વીટ્સ છે. આ ફળ એક લાકડા જેવી કઠણ અને નિત્ય લીલી રહેતી વેલ પર ઉગે છે. દ્રાક્ષને સીધી ખાઇ શકાય છે. ઉપરાંત જામ, રસ, જેલી, વિનેગર, વાઇન, બીજ અર્ક, સૂકી દાક્ષ (કિસમીસ), ગોળની રસી / કાકવી (મોલાસીસ), દ્રાક્ષ બીજનું તેલ વગેરે પદાર્થો બનાવવા માટે દ્રાક્ષનો ઉપયોગ થાય છે . ભાવનગર જીલ્લા પંચાયતના ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓને પુછપરછ કરતા જણાવ્યુ હતુ કે ભાવનગર શહેર જીલ્લામાં દ્રાક્ષ નું વાવેતર થતુ નથી.
ભાવનગર પંથકમાં લીંબુ, જામફળ, સીતાફળ સહિતનું વાવેતર અને મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. ભાવનગરના દ્રાક્ષ સહિતનું ફળ વેચતા વહેપારીઓને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે દ્રાક્ષનો અમે જથ્થાબંધ ઓર્ડર મોકલતા દ્રાક્ષ નાસીક અને મહારાષ્ટ્રથી આવે છે. હાલમાં લીલી દ્રાક્ષનો કિલોનો ભાવ રૂા. ૪૦ થી ૬૦ નો છે. જ્યારે કાળી દ્રાક્ષનો ભાવ રૂા. ૮૦ થી ૧૬૦ નો છે. ઉનાળાની સીઝનમાં લોકો દ્રાક્ષનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે. કાળઝાળ ગરમીમા દ્રાક્ષ ઠંડક પહોચાડે છે. ઉપરાંત ઘણી મોટી કંપનીઓ દ્રાક્ષનું સરબત પણ બનાવીને વહેંચે છે. દ્રાક્ષ થી વિટામીન – સી, નું પ્રમાણ વધે છે. જ્યારે દ્રાક્ષ સુકાઈ ગયા બાદ કાળી અને લીલી દ્રાક્ષ ડ્રાયફ્રુટમાં પણ ઉપયોગ માં લેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે લીલી દ્રાક્ષ કે જેને વ્હાઇટ ટેબલ ગ્રેપ્સ કહેવાય છે. ભારત સહિત વિદેશી લોકો પણ દ્રાક્ષ વધુ પ્રમાણમાં ખાય છે અને દ્રાક્ષનું વાવેતર પણ થાય છે. દ્રાક્ષનું વાવેતર યુરોપ, ઉત્તર આફ્રિકા, ઉત્તર અમેરીકા, સહિતના દેશોમાં પણ ફેલાયુ છે. જેમા ખાસ કરીને વિટેસ પ્રજાતિની સ્થાનીય જાંબુડી કે કાળી દ્રાક્ષ સમગ્ર ઉત્તર અમેરીકાના વનવગડામાં ફેલાયેલી હતી. અને તે અમેરિકાના મૂળ રહેવાસીઓના ભોજનનો ભાગ હતો. તેજ રીતે ભારત વાસીઓ પણ બપોરના ભોજન બાદ જે ફ્રુટ લે છે તેમાં દ્રાક્ષ ખાસ હોય છે. દ્રાક્ષ એ મોટા જુમખામાં ઉગે છે તેમનો રંગ લીલો, પીળો, કાળો, ઘેરો ભૂરો, કેસરી કે ગુલાબી હોઇ શકે છે, આમ તો લીલી, પીળી અને કાળી દ્રાક્ષ વધુ પ્રમાણમાં જોવા મળે છે. દ્રાક્ષ નો ઉપયોગ સરબત ઉપરાંત અમુક પ્રકારની પીપરમટ બનાવવામાં પણ વપરાય છે. દ્રાક્ષ મોટે ભાગે લંબગોળ હોય છે જોકે ગોળાકાર દ્રાક્ષ પણ જોવા મળે છે. દ્રાક્ષ સુકાઇ ગયા બાદ સુકો મેવો બનાવવા – ડ્રાયફ્રૂટમાં વપરાય છે. દ્રાક્ષનો અમુક ભાગ સરબત – રસ બનાવવામાં થાય છે જે આગળ જઇ સાકરમુક્ત પદાર્થો બનાવવા માટે ૧૦૦ % પ્રાકૃતિક પદાર્થો બનાવવા માટે થાય છે. ઉનાળાની સીઝનમાં દ્રાક્ષનો મોટા પ્રમાણમાં વેપાર થાય છે. ભાવનગર શહેરની માર્કેટ એરીયા સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો અને લારીઓમાં દ્રાક્ષનું વેચાણ શરૂ થયુ છે.