ડી-ડીવીઝન પોલીસે ૨૪ હજારના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધડપકડ કરી
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં આજથી ૨૨ દિવસ પૂર્વે રાત્રી દરમ્યાન બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ નિશાચરોની ડી-ડીવીઝન પોલીસે કુંભારવાડા વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ધડપકડ કરી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ એલઆઈજી-૮ સ્થિત સોમનાથમંદિર ની લાઈનમાં રહેતો પરીવાર પોતાનું મકાન બંધ કરી કોઈ કામ સબબ બહારગામ ગયેલ હોય તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશી રોકડ રકમ તથા સોનાના દાગીનાની ચોરી કરી નાસી છુટ્યાની ફરિયાદ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં ડી-ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન કુંભારવાડા ના મોતીતળાવ સ્થિત જમપુરીના નાળા પાસેથી શંકાસ્પદ વર્તણૂંક ધરાવતા ત્રણ શખ્સોને અટકમાં લઈ અંગ ઝડતી સાથે નામ સરનામાં પુછ્યા હતાં જેમાં અટક કરાયેલ શખ્સોએ પોતાના નામ સરનામાં જણાવેલ જેમાં મહંમદ જુબેર જાહિદ શેખ ઉ.વ.૨૧ રે.પ્રભુદાસતળાવ અરબાઝ ઉર્ફે ભોપો રફીક ઉર્ફે ભોપો સુમરા ઉ.વ.૧૯ રે.શેરીનં-૮ મોતીતળાવ અને મનોજ ઉર્ફે ચિમન મહેશ ગોહિલ ઉ.વ.૨૦ રે.મોતીતળાવ શેરીનં-૪ વાળા હોવાનું જણાવેલ આ શખ્સોના કબ્જા તળેથી રોકડા રૂપિયા તથા સોનાના દાગીના મળી કુલ રૂ.૨૪ હજારનો મુદ્દામાલ મળી આવતાં આ અંગે અટક કરાયેલ શખ્સોએ સંતોષકારક જવાબ ન આપી શકતા આગવી ઢબે પુછપરછ કરતાં આજથી આનંદનગર વિસ્તારમાં ૨૨ દિવસ પહેલા ઘરફોડ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત આપતાં પોલીસે ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપી-મુદ્દામાલ ને બી-ડીવીઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.