ગીત સંગીતનો શોખ પુરો કરવા મ્યુઝિક સિસ્ટમ વસાવી
ળા એ કોઈની જાગીર નથી, કળા તો કુદરતની દેન છે, પરંતુ ક્યારેક સારા કલાકાર ને કોઈ સારું પ્લેટફોર્મ ના મળવાના કારણે તે આગળ વધી શકતો નથી અને દુનિયાના કોઈ એક ખૂણામાં જિંદગી પૂરી થઈ જતી હોય છે, તો ક્યારેક રાનું મંડળ ની જેમ પ્લેટફોમ મળી જાય તો નસીબ ચમકી પણ જતું હોય છે. આવા નસીબ ચમકવાની રાહ જોતો ઝારખંડનો એક યુવાન ભાવનગરના સીમાડે આવેલ એક ચાની હોટલમાં કામ કરી રહ્યો છે અને સાથે સાથે પોતાની પ્રતિભાના ઓજસ પણ પાથરી રહ્યો છે.
મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલ ભાવનગરની નારી ચોકડી પાસે ચાની હોટલમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા સંજયકુમાર પોતાની અનોખી ચા બનાવવાની સ્ટાઈલના કારણે લોકોમાં ચર્ચામાં છે. અહીં આવતા ગ્રાહકોને ચાની સાથે સાથે લાઈવ મ્યુઝિક માણવાનો મોકો પણ મળી જાય છે. સંજયકુમારની કીટલીમાં સુમધુર સંગીતના તાલ સાથે ચા બને છે. તપેલીમાં રહેલી ચા પણ સંગીતના તાલે અને સંજયકુમારના સુમધુર અવાજ સાથે તાલ મિલાવતી હોય તેમ લાગે છે. સાણસી વડે સંગીત સાથે ચા ને હવામાં ઉલાળતા જ તેમાંથી નીકળતી વરાળો પણ જાણે તેને સાથ દેતી હોય તેમ લાગે છે, ગીત ગાતા ગાતા સંજયકુમાર એટલા તો મગ્ન બની જાય છે કે ગરમાગરમ તપેલી હાથ લઈને ચા હલાવવા માંડે છે. ભાવનગરમાં વર્ષો પહેલા ચા બનાવવા આવેલા સંજયકુમાર ફરી એકવાર તેમના વતન જતા રહ્યા હતા, પરંતુ ત્યાં તેમનું મન ન લાગતા તેઓ ચાર વર્ષ બાદ ફરી ભાવનગરમાં આવ્યા અને ચા બનાવવાની નોકરી સાથે તેનો શોખ પૂરો કરવા માટે 12 હજારમાં કરાઓકે સાઉન્ડ સીસ્ટમ ખરીદી અને ફરી શરુ કરી ચા ની નોકરી. રાત્રીના સમયે સંજયકુમારની સુમધુર ચાની લારી શરુ થઈ જાય, નારી ચોકડીથી પસાર થતા વાહન ચાલકો તેમનો સુમધુર સુર સાંભળી ઉભા રહી જાય છે અને ચાની ચૂસકી લગાવે છે, કાયમી ચાલતા ડ્રાઈવરો તો ત્યાં ચા પીવા અચૂક ઉભા રહે છે, હા તેના આ શોખના કારણે તેની ચા ની લારી ચાલી ગઈ છે હવે બસ સારું પ્લેટફોર્મ મળે તો તેની કિસ્મત પણ ચાલી જાય.