બે વર્ષમાં પ્રવાસન ક્ષેત્રે ૨.૧૫ કરોડની નોકરી ગઈ

73

દેશમાં કોરોનાને લીધે બેકારીમાં વધારો થયો : પ્રથમ લહેરમાં દેશમાં નવા પ્રવાસીઓનું આગમન ૯૩ ટકા, બીજા તબક્કામાં ૭૯ ટકા, ત્રીજા તબક્કામાં ૬૪ ટકા
નવી દિલ્હી, તા.૧૪
દેશમાં કોરોનાના કારણે બેરોજગારીના પ્રમાણમાં વૃદ્ધિ થઇ હોવાના અનેક અહેવાલ બાદ આજે પ્રથમ વખત કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે માર્ચ ૨૦૨૦થી અત્યારસુધીમાં કોરોનાની ત્રણ લહેરમાં એકલા પ્રવાસન ક્ષેત્રમાં ૨.૧૫ કરોડ લોકોએ રોજગારી ગુમાવવી પડી છે. કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી, કિશન રેડ્ડીએ આજે ગૃહમાં એક સવાલનો જવાબ આપતા આ માહિતી આપી હતી. રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ લહેરમાં દેશમાં નવા પ્રવાસીઓનું આગમન ૯૩ ટકા, બીજા તબક્કામાં ૭૯ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૪ ટકા જેટલું ઘટી ગયું છે. પ્રવાસન ઉદ્યોગ ઉપર કોવીડ મહામારીની અસરો અંગે એમે એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ અનુસાર પ્રથમ તબક્કામાં ૧.૪૫ કરોડ લોકોએ રોજગારી ગુમાવવી પડી હતી. બીજા તબક્કામાં ૫૨ લાખ અને ત્રીજા તબક્કામાં ૧૮ લાખ લોકોએ રોજગારી ગુમાવવી પડી છે, એમ મંત્રીએ જણાવ્યું હતું. રેડ્ડીએ જણાવ્યું હતું કે દેશમાં પ્રવાસન ઉદ્યોગ સાથે કુલ ૩.૮ કરોડ લોકો જોડાયેલા હતા. ત્રણ તબક્કામાં આવેલા કોરોના મહામારીના ત્રણ વેરિએન્ટના કારણે ઉદ્યોગ પડી ભાંગ્યો છે અને તેના મોટી અસર થઇ છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે માત્ર ભારત જ નહિ વિશ્વમાં સર્વત્ર ટુરિઝમ ક્ષેત્ર ઉપર અસર જોવા મળી છે.

Previous article૧૬ માર્ચથી ૧૨થી ૧૪ વર્ષના બાળકોને રસી અપાશે
Next articleદેશમાં જથ્થાબંધ ફૂગાવાનો દર વધીને ૧૩.૧૧ પર પહોંચ્યો