દેશમાં મોંઘવારી વધવાના અંદાજ સાચા પડ્યા : રિટેલ ફુગાવો હજુ છ ટકા, જથ્થાબંધ ભાવાંકની અસર રિઝર્વ બેંકની વ્યાજ દરની રણનીતિમાં જોવા મળશે નહી
નવી દિલ્હી, તા.૧૪
દેશમાં મોંઘવારી વધશે એવા અંદાજો ફરી સાચા પુરવાર થયા છે. જાન્યુઆરી મહિનામાં દેશમાં જથ્થાબંધ ચીજોનો ફુગાવો (ડબલ્યૂપીઆઈ) ૧૨.૯૬ ટકા હતો તે ફેબ્રુઆરીમાં વધી ૧૩.૧૧ થયો હોવાનું સરકારે આજે જાહેર કર્યું હતું. વિવિધ અર્થાશાત્રીઓનો અંદાજ અનુસાર ઉઁૈંમાં વૃદ્ધિ ૧૨.૧૦ ટકા રહેવાની ધારણા હતી. આ મહિનામાં ઇંધણના ભાવ ગત વર્ષ કરતા ૩૧.૫૦ ટકા વધ્યા હોવાથી ફુગાવો ઉંચો આવ્યો હતો. જથ્થાબંધ ભાવ આધારિત આ મોંઘવારી છેલ્લા ૧૧ મહિનાથી સતત બે આંકમાં વધી રહી છે. ગત ફેબ્રુઆરીએ ફુગાવો ૪.૮૩ ટકા હતો. ખાધચીજોમાં ફેબ્રુઆરી મહિનામાં ભાવ વૃદ્ધિ ૮.૧૯ ટકા રહી હતી જે ગત મહીને ૧૦.૩૩ ટકા હતી. શકભાજીના ભાવો ૨૬.૯૩ ટકા વધ્યા હતા જે ગત મહીને ૩૮.૪૫ ટકા વધ્યા હતા. સૌથી મહત્વની વાત છે કે દેશમાં છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવ સ્થિર છે. ચુંટણીના કારણે ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જયારે આ ભાવમાં ફેરફાર થશે, તેમાં વૃદ્ધિ થશે ત્યારે મોંઘવારી હજુ વધી શકે છે. કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું કે આ મહીને મોંઘવારી ઉંચી રહેવાનું કારણે મહદઅંશે પેટ્રોલીયમ પેદાશોના ભાવમાં વૃદ્ધિના કારણે જોવા મળ્યું છે. જોકે, રિઝર્વ બેંક વ્યાજ દર નક્કી કરવા માટે ગ્રાહક ભાવાંક (કે સીપીઆઈ)ની ગણતરી ધ્યાનમાં લેતી આવે છે. રિટેલ ફુગાવો હજુ પણ છ ટકા આસપાસ જ હોવાથી જથ્થાબંધ ભાવાંકની બહુ અસર રિઝર્વ બેંકની વ્યાજ દર અંગેની રણનીતિમાં જોવા મળશે નહી.