ચંદ્ર હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. કવિઓએ ચાંદને જોઇને કવિતાના લટુડાપટુડા કાગળ પર કાઢ્યા છે. પ્રસિધ્ધ હાસ્યકવિ સુરેન્દ્ર શર્માએ તેમની ટીપીકલ લઢણમાં મેરી બીવી અમાસ કા ચાંદ લાગે તેની અનુપમ હાસ્યસભર સરખામણી કરી વાસ્તવિકતા પર જનોઇવઢ પ્રહાર કર્યો છે. એક હિન્દી ફિલ્મમાં ચંદ્ર જાણે કોઇના બાપની જાગીર હોય અને હીરો મુનથીફ હોય તેવી હોશિયારીથી તેની માશૂકાને જોઇને લલકારે છે “ ચાંદ ચુરાકે વાયા હૂં, ચલ બેઠે ચર્ચ કે પીછે.” સદરહૂ ગીતમાં હીરો જાણે તરબૂચના ફાડિયા કરવાના હોય તેવી સહજતાથી વાત કરે છે. ચર્ચની પાછળ બેસવાની વાત એ ઇંગિત કરે છે કે ચર્ચની પાછળ અંધારું છે કાં તો હીરો રોમન કેથોલ્ક કે હીરોઇન મેથોડિસ્ટ ચર્ચની અનુયાયી છે!! જો કે પ્રેમીઓને પ્રણયકેલિ કરવા માટે અંધેરા કાયમ રહેગા સિચ્યુએશન લાભપ્રદ રહે . છતાં પણ બિન પરંપરાગત ઉર્જાસ્ત્રોતને લઇ આવીને હીરોએ શું કાંદા કાઢ્યા હશે તે અલાયદી વિચારણાનો મુદો છે!!
ચંદ્ર તરફના આકર્ષણના ભાગરૂપે આપણે ત્યાં ચંદ્રવિલાસ રેસ્ટોરેન્ટ, ચંદ્રોદય ટ્રાન્નપોર્ટ અને ચંદ્રવિલા બંગલો જોવા મળે છે. ચંદ્રવદન, સીતાંશુ કે ચાંદની , ચંદ્રલેખા જોવા મળે છે! ચંદ્રને ચાંદા મામા કહે છે, પણ ચંદ્રને કેટલી બહેનો, બનેવી, ભાણિયા, ભાણી છે તેની ખબર નથી. ચંદ્રની પત્ની એટલે મામી કોણ છે તેની ખબર નથી!!ચંદ્ર ભાઇ તરીકે બેન પાસે રાખડી બંધાવવા આવે છે કે કેમ અને કેટલી પસલી આપે છે તે પણ રહસ્યમય કોયડો છે!!!
કૌશલ્યા માએ થાળીમાં પાણી ભરી તેમાં ફલોટિંગ મુન દેખાડી ભગવાન રામની બાળહઠને સંતોષી હતી. કડવાચોથને દિવસે આખા દિવસની ઉપવાસી પરિણીત મહિલાઓ ચાળણીમાંથી ચાંદ- પતિને જોઇને પતિના હાથે પાણી પીને વ્રત તોડે છે. જગતની એક પણ મહિલા ચાળણીમાં સૂરજ જોઇને કેમ વ્રત તોડતી નથી એ મોટો નિરુત્તર પ્રશ્ર છે!!!
લાલ ફળ સમજીને સૂરજને હનુમાનદાદા મોમાં મુકી દીધો હતો. જેમાંથી અવનિ પર હાહાકાર મચી ગયેલો. અલબત, ચંદ્રને પીળી મોસંબી સમજીને ગળી ગયેલ કે કેમ તેની વિગતો ઉપલબ્ધ નથી !!!પુનમને દિવસે દરિયામાં મોટી ભરતી અને અમાસને દિવસે મોટી ઓટ હોય છે!!! પુનમને દિવસે ગાંડપણની માત્રામાં મોટો ઉછાળો આવે છે!!
ચંદ્ર, ચાંદ, ચાંદો, સુધાકર, સુધાંશુ, સીતાંશુ, ઇંદુ વગેરે નામથી ચંદ્ર ઓળખાય છે.સૂર્ય પછી સૌથી નજીક જો કંઈ દેખાતું હોય તો તે ચંદ્ર છે. ચંદ્રનું અજવાળું ભલે ઉછીનું હોય, પણ શીતળતા બિલકુલ પોતાની છે. સૂરજના દઝાડતા તડકાને તે પોતાની કાયા પર ઝીલી લઈ આપણને શીતળ ચાંદની આપે છે. ને એમાંય શિયાળાની ચાંદની એટલે શીતળ
દૂધપૌંઆ!!
અગ્નિપુરાણ મુજબ ભગવાન બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની રચનાનો વિચાર કર્યો ત્યારે સૌપ્રથમ માનસ પુત્રોની રચના કરી. તેમના માનસ પુત્રોમાં એક હતા અત્રિ ઋષિ. અત્રિના લગ્ન મહર્ષિ કર્દમની કન્યા અનુસુઈયા સાથે થયા. દેવી અનુસુઈયાને ત્રણ પુત્રો થયા. દુર્વાસા, દત્તાત્રેય અને સોમ. આ સોમ એટલે ચંદ્ર. એક કથા એવી છે કે દેવતાઓએ અને અસુરોએ ક્ષીર સાગરનું મંથન કર્યું ત્યારે તેમાંથી જે ૧૪ રત્નો નીકળ્યા તેમાંનો એક ચંદ્ર. એવું પણ કહેવાય છે કે ગ્રહ સ્વરૂપે ચંદ્રની ઉપસ્થિતિ સમુદ્ર મંથન પહેલા પણ હતી. મંથન ચંદ્ર અને ગુરુના શુભ યોગમાં થયું હોવાનું પણ લખેલું છે. વાર્તા તો બીજી ઘણી છે. ૨૭ નક્ષત્ર એટલે દક્ષ પ્રજાપતિની ૨૭ દીકરી અને ચંદ્રની પત્નીઓ. ચંદ્રને મળેલા શાપની, શાપમાંથી મુક્તિ રૂપે આંશિક ક્ષય અને વૃદ્ધિની. ઘણી વાર્તાઓ છે. જે પૂનમે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં હોય તે કારતક મહિનો. જે પૂનમે ચંદ્ર મૃગશીરા નક્ષત્રમાં હોય તે માગસર, પુષ્યમાં હોય ત્યારે પોષ, મઘા નક્ષત્રમાં હોય ત્યારે મહા મહિનો, ફાલ્ગુનીમાં હોય ત્યારે ફાગણ મહિનો, ચિત્રામાં હોય તે ચૈત્ર મહિનો, વિશાખામાં હોય તે વૈશાખ, જ્યેષ્ઠામાં હોય તે જેઠ મહિનો, પૂર્વાષાઢા-ઉત્તરાષાઢામાં હોય તે અષાઢ મહિનો, શ્રવણ નક્ષત્રમાં હોય ત્યારે શ્રાવણ મહિનો, ભાદ્રપદ નક્ષત્રમાં હોય ત્યારે ભાદ્રપદ મહિનો અને અશ્વિની નક્ષત્રમાં હોય ત્યારે આસો માસ . અનુપમ વ્યવસ્થા છે!!!
ખગોળ વિજ્ઞાનની થિયરી અનુસાર તમામ બ્રહ્માંડીય પિંડોની ગતિમાં ઘટાડો અને વધારો થતો હોય છે. તેનું કારણ ગતિનો માર્ગ. તેમનો પરિભ્રમણ માર્ગ ગોળ નહીં, લંબગોળ હોય છે. પૃથ્વી પણ જ્યારે સૂર્યની નજીક આવે ત્યારે તેની સ્પીડ વધી જાય અને સૂર્યથી દૂર જાય ત્યારે સ્પીડ ઘટી જાય. ચંદ્રનું પણ એવું જ. ચંદ્ર જ્યારે પૃથ્વીની નજીક હોય એટલે કે અનુરાધા નક્ષત્રમાં હોય ત્યારે તેની સ્પીડ વધી જાય, પૃથ્વીથી દૂર હોય એટલે કે રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે તેની ગતિ એકદમ ધીમી પડી જાય.
આધુનિક ખગોળ વિજ્ઞાાન પણ ચંદ્રની ઉત્પત્તિ માટે ખાખાખોળા કરી રહ્યું છે. ૧૯૬૯થી ૧૯૭૨ દરમિયાન છ વખત અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયા. ત્યાંથી ભેખડો પૃથ્વી પર લાવ્યા. તેનો અભ્યાસ કરવામાં આવ્યો અને એ રીસર્ચના આધારે જુદી-જુદી થીઅરીઓ ઘડવામા આવેલ છે! આપણે પણ ચંદ્ર પર કિફાયતી યાન મોકલી આપેલ . જેણે દશેરાના દિવસે ઘોડું ન દોડે તે કિંવદંતીને સાબિત કરી. મોટા સાહેબે ( કેમેરાની હાજરીમાં) અસરોના નિયામકને ભેટી પડીને દિલાસો આપેલ હતો!!
અમેરિકાએ ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગ સહિત બે અવકાશયાત્રીને ચંદ્ર પર મોકલેલ હતા.અલબત, વિરોધીઓ પબ્લિક સ્ટંટ માને છે. નેવાર્કના રણમાં શૂટિંગ કરેલ છે. ચંદ્ર પર અમેરિકન ધ્વજ કેવી રીતે લહેરી શકે એવો પણ સવાલ કરે છે!!!
આપણી પૃથ્વી માણસોની વસ્તિથી ફાટફાટ થાય છે. પૃથ્વી પર વસ્તુનું ભારણ ઘટાડવા માનવ કોલોની બનાવવાનું શેખચલ્લી આયોજન મોટા દેશો કાગળ પર કરી રહ્યા છે!!! કેટલાક લેભાગુઓ ચંદ્ર પર જમીનનું પ્લોટિંગ પાડી પ્લોટ વેચી રહ્યા છે. માનવ વસવાટ શક્ય બંને તો ચંદ્રની ખરબચડી-ઉબડખાબડ સપાટી પર ચલાવવા માટેની ટેકસીના મોડલ ડેવલપ કરી રહ્યા છે!!
આપણો ગુજુ એન્ટપ્રેન્યોર તરીકે આત્મ નિર્ભર,એમએસએમઇ , સ્ટાર્ટઅપ પ્રોજેકટ તરીકે ચંદ્ર પરના હાઇવેની ચોકડી પર દબાણ કરી ચંદ્રાસ્ત રેસ્ટોરેન્ટ શરૂં કરવાનો દ્રઢ નિર્ધાર છે!!
– ભરત વૈષ્ણવ