શિશુવિહાર પ્રાંગણમાં છેલ્લાં ૮૩ વર્ષથી યોજાતાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી

71

ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહજી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં : નવધાભક્તિ પુસ્તિકા’ નું ઈ-બુક તરીકે નવ સંસ્કરણ સંસ્થાની વેબસાઈટ પર લોન્ચ
ભાવનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શિશુવિહારમાં છેલ્લાં ૮૩ વર્ષથી અવિરત રીતે યોજાતાં હોળી પર્વની ઉજવણી ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સંસ્થાના વિશાળ પ્રાંગણમાં વર્તુળાકારે શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને પરંપરાગત રીતે હોળીને ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે પ્રગટાવી હતી.

યુવરાજની ઉપસ્થિતિમાં શિશુવિહાર સંસ્થા દ્વારા વર્ષ- ૧૯૫૪ માં તૈયાર થયેલ અને ૧ લાખ કરતાં વધુ નકલમાં પ્રકાશિત ’નવધાભક્તિ પુસ્તિકા’ નું ઈ-બુક તરીકે નવ સંસ્કરણ સંસ્થાની વેબસાઈટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ચોથી પેઢીના વારસદાર તરીકે જયવીરરાજસિંહએ મહારાજા દ્વારા શિશુવિહારને આપવામાં આવેલ જમીન અને ભાવનગર રાજ્ય સોંપાતા સમયે સરદાર વલ્લભભાઈ પટેલે જે મંચ ઉપરથી ભાવનગર રાજ્ય સ્વીકાર્યું હતું તે ઐતિહાસિક જગ્યાની પણ મુલાકાત લીધી હતી તેમજ પ્રજાવત્સલ રાજવીની શીખ શિશુવિહારે સ્વરાજ પછી પણ નિભાવી તે વાતનો આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ૨૫૦ થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓના ડમ્બેલ્સ,લાઠી, લેઝીમ નિદર્શન સાથે શિશુવિહારના ભૂતપૂર્વ સ્કાઉટ ગાઈડ તાલીમાર્થી સર્વશ્રી ગૌરવભાઈ રાઠોડ, રક્ષાબહેન ભટ્ટ, વિપુલભાઈ વાળા તથા સંકેતભાઈ ભટ્ટની સમાજ ઉપયોગી સેવાને લક્ષમાં રાખી તેઓનું વિશેષ અભિવાદન ભાવનગર યુવરાજ તથા સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. શિશુવિહાર પરિવારના આપ્તજન રક્ષાબેન ભટ્ટના સંકલન સાથે યોજાયેલ સાંસ્કૃતિક સમારોહનું આયોજન હરીશ ભટ્ટ, કમલેશભાઈ વેગડ દ્વારા કરવામાં આવ્યું હતું. યુવરાજની શિશુવિહાર સંસ્થાની મુલાકાત પ્રસંગે સંસ્થાના મંત્રી ડો નાનકભાઈ ભટ્ટ સતત તેમની સાથે રહ્યાં હતાં અને સંસ્થાની પ્રવૃત્તિઓ તથા કાર્યોથી તેમને માહિતગાર કર્યા હતાં. હોળી પર્વની ઉજવણી પ્રસંગે શીશુવિહાર સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મચારીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleજિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
Next articleભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતાં જીતુભાઈ વાઘાણી