રાજ્ય સરકારે ઘણાં અઘરા લાગતા વિકાસ કામો પૂર્ણ કરીને નેવાના પાણી મોંભે ચઢાયા છે : રમેશભાઈ કટારા

81

દાહોદ જિલ્લામાં પાંચમા તબક્કાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવતા વિધાનસભા દંડક રમેશભાઈ કટારા : સુજલામ સુફલામ જળસંચય અભિયાન ૨૦૨૨ અંતર્ગત દાહોદ જિલ્લામાં રૂ. ૨૦ કરોડથી વધુના ખર્ચે ૧૩૪૪ જળસંચયને લગતા વિકાસકાર્યો હાથ ધરાશે
આ અભિયાન અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં દાહોદમાં જળસંચયને લગતા ૩૭૭૩ કામો થયા, જેના પરિણામે ૯૦૨૮૬૫૧ ઘન મીટર જળસંગ્રહ શકય બન્યો અને ૨૫૨૬૯૬૮ માનવ રોજગારી પ્રાપ્ત થઇ જિલ્લામાં સુઝલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ નો પ્રારંભ વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત આ વર્ષે જિલ્લામાં રૂ. ૨૦૦૭.૩૩ લાખના ખર્ચે ૧૩૪૪ જેટલા જળસંચયને લગતા વિકાસકાર્યો માટેનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ આજથી વિધાનસભાના દંડકશ્રી સહિતના મહાનુભાવો દ્વારા સંજેલીના કુંડા ધામેણા સિંચાઇ તળાવ ખાતેથી કરવામાં આવ્યો છે. વિધાનસભાનાદંડક રમેશ કટારાએ આ મહાઅભિયાનનો પ્રારંભ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે ઘણાં અઘરા લાગતા વિકાસ કામો પૂર્ણ કરીને નેવાના પાણી મોંભે ચઢાયા છે. દાહોદમાં કડાણાનું પાણી કે હાફેશ્વરનું પાણી મળતું થશે એવું લોકો વિચારી પણ શકતા નહતા ત્યારે રાજ્ય સરકારે ખૂબ ઝડપથી આરંભેલી આ કામગીરી હવે પૂર્ણતાને આરે છે. જિલ્લામાં નલ સે જલ અંતર્ગત દરેક તાલુકાના દરેક ઘર સુધી પાણી પહોંચી જશે અને શુદ્ધ પીવાના પાણીની સમસ્યા દૂર થશે. તેમણે ઉમેર્યું કે, બોર, કુવાના પાણી ઉંડે ઉતરતા મળતા નહોતા. રાજ્ય સરકાર દ્વારા આરંભવામાં આવેલા સુઝલામ સુફલામ અભિયાન થકી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. આ અભિયાન થકી સિંચાઇ વ્યવસ્થા સુદ્વઢ થઇ છે અને ખેત ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, સરકારે હર ખેત કો પાની, હર હાથ કો કામ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. સુઝલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૧ માં ૩૧૨૦ કામો દ્વારા ૪૨૧૧૮૨૨ ધનમીટર જળ સંગ્રહ થઈ શક્યો હતો. જ્યારે ૧૬૧૮૫૯૨ જેટલા માનવદિનની રોજગારી મળી શકી હતી. જયારે આ વર્ષે તળાવો ઊંડા કરવા, ચેકડેમ સમારકામ, નહેરોની સાફસફાઈ, વરસાદી પાણીના સંચય જેવા વિવિધ કામો હાથ ધરાશે. જેમાં લોકભાગીદારીથી રૂ. ૩૦૮ લાખના ખર્ચે ૧૧૬ કામો, મનરેગા અંતર્ગત રૂ. ૧૪૩૮.૮૧ લાખના ખર્ચે ૧૧૦૬ કામો, પાણીપુરવઠા, જળસંચય વિભાગીય કામગીરી હેઠળ રૂ. ૨૨૪.૪૩ લાખના ખર્ચે ૪૬ કામો, વનવિભાગ હેઠળ વિભાગીય કામગીરી અંતર્ગત રૂ. ૩૬.૦૯ લાખના ખર્ચે ૭૬ કામો કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ સુઝલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં થયેલા કામોની વાત કરતા જણાવ્યું કે, આ અભિયાન અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં જળસંચયને લગતા ૩૭૭૩ કામો થયા. જેના પરિણામે ૯૦૨૮૬૫૧ ઘન મીટર જળસંગ્રહ શકય બન્યો અને ૨૫૨૬૯૬૮ માનવ રોજગારી પ્રાપ્ત થઇ હતી. જે આ અભિયાનની મોટી સફળતા છે. આ વેળા મહાનુભાવોએ કુંડા ધામેણા સિંચાઇ તળાવને ઊંડુ કરવાના કામનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો અને વૃક્ષારોપણ પણ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીનેહા કુમારી, કાર્યપાલક ઇજનેર આર.એમ.ડામોર, ઝાલોદના નાયબ કાર્યપાલક ઇજનેર વસૈયા, તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ જિથરાભાઇ, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલ્લભાઇ, અગ્રણી પર્વતસિંહ ડામોર, રૂચિતાબેન તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleગુજરાત વિધાનસભાના દડંક રમેશભાઈ કટારાએ પોલીસ સ્ટાફ સાથે ધુળેટીની ઉજવણી કરી
Next articleનોરા ફતેહીનો ઓડિશન આપતો વીડિયો વાયરલ