જીએસટીનો ૧૨-૧૮ ટકાનો સ્લેબ મર્જ કરવાની શક્યતા

67

જીએસટીના રેટ સ્ટ્રક્ચરમાં ફેરફારની શક્યતા : ફુગાવાની ચિંતા હોઈ જીએસટીનો બેઝિક રેટ ૫ ટકાથી વધારીને ૮ ટકા કરવાની દરખાસ્ત કદાચ નહીં કરાય
નવી દિલ્હી, તા.૨૧
જીએસટીના રેટ સ્ટ્રક્ચરમાં થોડા જ સમયમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. તે પ્રમાણે ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરીને ૧૫ ટકાનો એક સિંગલ રેટ રાખવા ભલામણ થાય તેવી શક્યતા છે. જોકે, અત્યારે ફુગાવાની ચિંતા હોવાના કારણે જીએસટીનો બેઝિક રેટ ૫ ટકાથી વધારીને ૮ ટકા કરવાની દરખાસ્ત કદાચ નહીં કરવામાં આવે. જીએસટીઅંગે રાજ્યોના મંત્રીઓનું જૂથ (જીઓએમ) ચાલુ સપ્તાહમાં મળે તેવી શક્યતા છે. તેના દ્વારા રેટ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે અને ભલામણો કરવામાં આવશે. જીએસટીકાઉન્સિલ રિપોર્ટ પર વિચારણા કરવા અને રાજ્યોની રેવન્યુની સ્થિતિ જાણવા માટે આગામી મહિને બેઠક કરે તેવી શક્યતા છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં લખનૌમાં જીએસટીકાઉન્સિલની બેઠક મળી હતી. ત્યારે કાઉન્સિલે રેટમાં જરૂરી ફેરફાર કરવા માટે જીઓએમની રચના કરી હતી. ટેક્સ બેઝ વધારી શકાય તે માટે આ જૂથને જીએસટીમુક્તિ હેઠળના ગુડ્‌સની સમીક્ષા કરવા, રેટ સ્ટ્રક્ચરને સરળ બનાવવા અને જરૂરી સંસાધનો એકત્ર કરવા માટે જણાવાયું હતું. હાલમાં જીએસટીહેઠળ ચાર સ્તરનું સ્ટ્રક્ચર છે. તેમાં ૫%, ૧૨%, ૧૮%, અને ૨૮%ના દર છે. આ ઉપરાંત કિંમતી ધાતુઓ જેવા અમુક ગુડ્‌સ માટે સ્પેશિયલ રેટ પણ છે. તેના કારણે આખી સિસ્ટમ જટિલ બની ગઈ છે. જુલાઈ ૨૦૧૭માં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે રેવન્યુ -ન્યુટ્રલ રેટ લગભગ ૧૫.૫ ટકા હતો. જીએસટીના જે રેટ પર રાજ્યો કે કેન્દ્રને ટેક્સની આવકમાં કોઈ નુકસાન થતું ન હોય તેને રેવન્યુ ન્યુટ્રલ રેટ કહેવામાં આવે છે. અનેક ગુડ્‌સ પર રેટ ઘટ્યા છે અથવા જીએસટીમાં માફી અપાઈ છે. તેના કારણે રેવન્યુ ન્યુટ્રલ રેટ ઘટીને ૧૧.૬ ટકા થયો છે. જીએસટીનો થ્રેસહોલ્ડ દર ૫ ટકાથી વધારીને ૮ ટકા કરવામાં આવે તો સરકારને રૂ. ૧.૫ લાખ કરોડની વધારાની આવક થઈ શકે છે. પરંતુ મોટા ભાગના મેમ્બર માને છે કે અત્યારે જીએસટીનો થ્રેસહોલ્ડ દર વધારવો ન જોઈએ કારણ કે ફુગાવો પહેલેથી વધી રહ્યો છે. આ ઉપરાંત ૫ ટકાના સ્લેબમાં ઘણી આવશ્યક ચીજવસ્તુઓ પણ આવે છે. જો આ રેટ વધારીને ૮ ટકા કરવામાં આવે તો તે ચીજો મોંઘી થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે જીઓએમના કેટલાક સભ્યોએ ૧૨ અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરીને ૧૫ ટકાનો કોમન સ્લેબ રાખવા ભલામણ કરી છે. આ ઉપરાંત શરાબ અને સિગરેટ જેવી ચીજો પર સેસ વધારી શકાય છે.

Previous articleબંગાળમાં આસની વાવાઝોડું, ભારે પવન સાથે વરસાદ
Next articleસેન્સેક્સમાં ૫૭૧, નિફ્ટીમાં ૧૬૯ પોઈન્ટનો થયેલો કડાકો