ઘોઘા ગામના સરપંચ તેમજ આગેવાનોએ આ અંગે રજૂઆત કરી : ગામમાં બે તલાટીનું સેટઅપ હોવા છતાં એક તલાટી હતા તેની પણ બદલી કરવામાં આવીભાવનગર,
ઘોઘા ગામમાં તલાટીની ખાલી પડેલી જગ્યા તાત્કાલિક ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે ઘોઘા ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા તાલુકા પંચાયતના ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઘોઘા ગામ કે જે ૧૬ થી ૧૮ હજારની વસ્તી ધરાવતું ગામ છે. ઘોઘા ગ્રામ પંચાયતમાં છેલ્લા ૬ વર્ષથી જયેશ ધીરુભાઈ ડાભી તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. જેઓની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા.૧૬-૩-૨૦૨૨ ના રોજ ભાવનગર જિલ્લાના બુધેલ ગામે બદલી કરવામાં આવી છે. જેથી ઘોઘા ગ્રામ પંચાયતમાં ખાલી પડેલી તલાટીની જગ્યાએ બીજા રેગ્યુલર તલાટી મંત્રી મુકવા બાબતે ઘોઘાના સરપંચ તેમજ આગેવાનો દ્વારા તાલુકા પંચાયત ખાતે ટીડીઓને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. તલાટી મંત્રીની ખાલી પડેલી જગ્યાએ બીજા રેગ્યુલર તલાટી મુકવા માટે માંગણી કરવામાં આવી હતી. ઘોઘાના સરપંચ અન્સાર રાઠોડે જણાવ્યું હતું કે, ૧૬ થી ૧૭ હજારની વસ્તી ઘરાવતું ઘોઘા ગામ છે. બે તલાટીનું સેટઅપ હોવા છતાં એક તલાટીથી કામ ચલાવવામાં આવતું હતું. એમાંય હવે જે એક તલાટી મંત્રી હતા તેની પણ બદલી કરી નાખી છે. ત્યારે તાત્કાલિક ધોરણે ખાલી પડેલી જગ્યાએ તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ સાથે આજે અમે તાલુકા પંચાયત ઘોઘા ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા.