અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૯૬.૬૭ છે અને ડીઝલના ભાવ પ્રતિ લીટર ૮૯.૯૧ રૂપિયા થઈ ગયા છે
નવી દિલ્હી, તા.૨૩
સળંગ બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧.૬૦ રૂપિયાનો વધારો થયો છે. ૧૩૭ દિવસના વિરામ બાદ સતત બે દિવસ ભાવામાં વધારો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે પ્રતિ લીટર ૮૦ પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર ૯૬.૬૭ રૂપિયા પહોંચી ગયું છે જ્યારે ડીઝલનો ભાવ ૮૯.૯૧ રૂપિયા થઈ ગયો છે. પાછળા વર્ષે દિવાળી સમયે સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતા ૧૦ રૂપિયાનો ભાવ ઘટાડો થયો હતો. રાજકોટમાં બે દિવસમાં ૧.૬૦ રૂપિયા પેટ્રોલ અને ડીઝલમાં વધતા નવો પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ ૯૬.૬૭ રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ ૮૯.૯૧ થઈ ગયો છે. પેટ્રોલ અને ડીઝલમાં સળંગ બે દિવસ વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં જ્યારે અંતિમ બદલાવ આવ્યો હતો ત્યારે આંતરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમત લગભગ ૮૨ ડોલર પ્રતિ બેરલ હતી, જે હાલ ૧૧૬ ડૉલરની આસપાસ પહોંચી ગઈ છે. આ હિસાબે જોવા જઈએ તો દેશમાં પેટ્રોલની કિંમતમાં ૧૪.૪૦ રૂપિયાનો વધારો થઈ શકે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે તેમાં તેજી આવી રહી છે. એક સમયે ૧૩૯ ડૉલર પ્રતિ બેરલ ભાવ પહોંચી ગયો હતો. જે ૨૦૦૮ પછી તેનો સર્વોત્તમ ઉચ્ચ સપાટી હતી. વચ્ચે પ્રતિ બેરલની કિંમત ૧૦૦ ડૉલરની અંદર આવી ગઈ હતી પરંતુ અમેરિકા પછી યુરોપના દેશોએ રશિયામાંથી તેલની આયાત પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કર્યો છે.
જેના કારણે કિંમતોમાં ફરી ઉછાલો આવ્યો છે અને હાલ તે ૧૧૬ ડૉલરની આસપાસ થઈ ગયો છે. પાછલા વર્ષેના સપ્ટેમ્બરથી પેટ્રોલના ભાવ સ્થિર છે. જોકે, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણી અને તે પછી સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે, જ્યારે દિવાળી દરમિયાન ઘટડો કરાયો હતો. આ સમયે પેટ્રોલના ભાવમાં ૮.૧૫ રૂપિયા પ્રતિ લીટર વધારો થયો હતો. જોકે, આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. પાછલા વર્ષે પેટ્રોલ કરતા ડીઝલના બજારમાં વધારે તેજી જોવા મળી હતી. વેપારની દ્રષ્ટીએ જોઈએ તો પેટ્રોલ કરતા ડીઝલ બનાવવું વધારે મોંઘું પડે છે. પરંતુ ભારતમાં ડીઝલ કરતા પેટ્રોલ વધારે મોંઘું વેચાય છે. પાછળા વર્ષે ૨૪ સપ્ટેમ્બરે અહીં ડીઝલના ભાવમાં આગ લાગવાની શરુઆત થઈ હતી, જ્યારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતા ભાવમાં ઘટાડો થયો હતો. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨થી દિવાળી સુધીમાં ડીઝલના ભાવમાં ૯.૪૫ રૂપિયાનો વધારો થયો હતો. દેશમાં મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ સૌથી ઊંચો છે અહીં પેટ્રોલની પ્રતિ લીટર કિંમત ૧૧૧.૬૭ થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમત ૯૫.૮૫ છે. આ સિવાય દેશમાં ચેન્નાઈ, કોલકાતા, ભોપાલ, રાંચી, બેંગ્લુરુ, પટનામાં પેટ્રોલના ભાવ ૧૦૦ને પાર ચાલી રહ્યા છે.