વૈશ્વિક બજારોમાં ભાવ વધતા સોનાના ભાવ વધ્યા : ચાલુ મહિને યુક્રેન-રશિયા યુદ્ધ કટોકટીના કારણે સોનાનો ભાવ ૧૦ ગ્રામે રૂ. ૫૫,૦૦૦ સુધી પહોંચ્યો હતો
મુંબઈ, તા.૨૪
સ્થાનિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. વૈશ્વિક બજારોમાં સોનું વધવાથી આજે સળંગ બીજા દિવસે આ વધારો થયો હતો. જોકે, છેલ્લા એક મહિનાની ટોચની સરખામણીમાં સોનું હજુ ૩૫૦૦ રૂપિયા નીચે ચાલે છે. એમસીએક્સપર ગોલ્ડ ફ્યુચર્સ ૦.૧૪ ટકા વધીને રૂ. ૫૧,૮૪૦ થયો હતો જ્યારે ચાંદીનો ભાવ ૦.૧૫ ટકા વધીને રૂ. ૬૮,૩૬૫ થયો હતો. અગાઉના સેશનમાં સોનું ૦.૮ ટકા અને ચાંદી ૦.૯ ટકા વધી હતી. ચાલુ મહિને યુક્રેન કટોકટીના કારણે સોનાનો ભાવ ૧૦ ગ્રામે રૂ. ૫૫,૦૦૦ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ તેમાં ૩૫૦૦ રૂપિયા જેટલો ઘટાડો થયો છે. ગ્લોબલ બજારની વાત કરીએ તો સોનું આજે ૧૯૪૩.૭૫ ડોલર પ્રતિ ઔંસના ભાવે સ્થિર હતું જ્યારે ઓઈલનો ભાવ વધ્યો હતો. અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને બીજા યુરોપિયન નેતાઓએ રશિયા પર વધારે પ્રતિબંધો ઝીંકવાની ધમકી આપી છે. તેના કારણે સ્પોટ સિલ્વરનો ભાવ ૦.૧ ટકા વધીને ૨૫.૦૮ ડોલર પ્રતિ ઔંસ થયો હતો. જ્યારે પ્લેટિનમનો ભાવ ૦.૩ ટકા ઘટીને ૧૦૧૭ ડોલર હતો. જો બાઈડન હાલમાં એક મિટિંગ માટે બ્રસેલ્સ પહોંચ્યા છે જ્યાં તેઓ નાટોના વડાઓને મળશે. ૨૪ ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેને બરાબર એક મહિનો થઈ ગયો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઇક્વિટી બજાર નબળું છે ત્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હોવાથી સોના અને ચાંદીના ભાવ પણ વધ્યા છે. રશિયા અને યુક્રેન યુદ્ધ હજુ પણ ચાલુ છે, પરંતુ બજારના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો કંઇ બદલાયું નથી. એક્સપર્ટ્સ માને છે છે આગામી સેશનમાં પણ ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં વોલેટિલિટી રહેશે કારણ કે નાટોઅને ઈયુના નેતાઓની બે દિવસની બેઠક પછી જ ચિત્ર સ્પષ્ટ થશે. ગોલ્ડને હાલમાં ૧૯૧૦થી ૧૮૯૫ ડોલરના સ્તર પર સપોર્ટ છે. ૧૯૫૦થી ૧૯૬૪ ડોલરની સપાટી પર ગોલ્ડમાં રેઝિસ્ટન્સ છે. જ્યારે ચાંદીને ૨૪.૭૮થી ૨૪.૫૫ ડોલરની સપાટી પર સપોર્ટ છે. રુપિયામાં જોવામાં આવે તો ગોલ્ડ માટે ૫૧,૨૮૦-૫૧,૦૦૦ રૂપિયાના ભાવે સપોર્ટ છે જ્યારે ૫૧,૯૫૦-૫૨,૦૮૦ના ભાવે સોનામાં અવરોધ છે. ચાંદીને ૬૭,૭૦૦- ૬૭,૨૨૦ પર સપોર્ટ છે. ચાંદી માટે પ્રતિકારક સપાટી ૬૮,૪૫૦-૬૮,૯૪૦ છે.વિશ્વમાં સૌથી મોટા ગોલ્ડ ઇટીએફ એસપીડીઆર ગોલ્ ટ્રસ્ટ પાસે સોનું ૦.૪ ટકા વધીને ૧૦૮૭.૬૬ ટન થયું હતું. યુક્રેન યુદ્ધ અને તેના પગલે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે કોમોડિટીના ભાવ અને ફુગાવામાં વધારો થયો છે. તેથી કેટલીક સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદર વધારવા પડ્યા છે.