સાઉદીના જેદ્દામાં તેલ ડેપો પર હુતી વિદ્રોહીઓનો રોકેટ હુમલો

50

હુતી વિદ્રોહીઓ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
(સંપૂર્ણ સમાચાર સેવા) જેદ્દા, તા.૨૬
સાઉદી અરબના જેદ્દા ખાતે સ્થિત એક તેલ ડેપો પર રોકેટ હુમલાના કારણે ભીષણ આગ લાગી છે. ફોર્મુલા વન (એફ-૧) રેસ પહેલા જ આ ઘટના બની છે. યમનના હુતી વિદ્રોહીઓએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલો હુતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. હુતી વિદ્રોહીઓએ થોડા દિવસ પહેલા પણ આ ડેપોને ટાર્ગેટ કર્યું હતું. ડેપો પર કરવામાં આવેલા હુમલા બાદ આગની વિકરાળ જ્વાળાઓ ઉઠવા લાગી હતી. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિની ઘટના સામે નથી આવી. આ તરફ સાઉદીના અધિકારીઓના કહેવા પ્રમાણે આગામી ગ્રાન્ડ પ્રિક્સ પોતાના નિર્ધારિત સમયે જ આયોજિત થશે.
આ હુમલો ઉત્તરી જેદ્દા બ્લક પ્લાન્ટ પર થયો હતો. જે શહેરના આંતરરાષ્ટ્રીય વિમાન મથકની દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે અને મક્કા જનારા તીર્થયાત્રીઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. એજન્સીના કહેવા પ્રમાણે સાઉદી અરબની તેલ કંપની સાઉદી અરામકો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. જોકે સાઉદી અરબના કહેવા પ્રમાણે હુતી વિદ્રોહીઓએ ડેપોને ટાર્ગેટ કરીને આ હુમલો કર્યો હતો અને તે એક ’શત્રુતાપૂર્ણ ઓપરેશન’ સમાન હતો. સાઉદીની અધ્યક્ષતાવાળા ગઠબંધનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ તુર્ક અલ-મલ્કીના કહેવા પ્રમાણે જાણીજોઈને તેલ ડેપો પર આ હુમલો કરવામાં આવ્યો છે. તે શત્રુતાપૂર્ણ હરકત છે. તેનો ઉદ્દેશ્ય ઉર્જા સુરક્ષા અને વૈશ્વિક અર્થતંત્રને નબળા પાડવાનો છે. આ તરફ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ટિ્‌વટ કરીને હુતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે લખ્યું હતું કે, આ હુમલાઓએ નાગરિકોના જીવનને જોખમમાં મુક્યું છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે જેદ્દા ખાતે દ્વિતીય સાઉદી અરબ ગ્રાન્ડ પ્રિક્સ આયોજિત થઈ રહ્યું છે.

Previous articleઅઠવાડિયામાં પેટ્રોલ ૩.૨૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું
Next articleઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર ખાતે ૧૨૫ કલાકારો દ્વારા ભવ્ય કાર્યક્રમ “સાંસ્કૃતિક અમૃત યાત્રા” યોજાયો