પરોઢીયે સુરત તરફથી આવી રહેલ કાર અચાનક પલ્ટી ખાઈ ગઈ
ભાવનગર-મહુવા હાઈવે પર તણસા-પાંચપીપળા ગામ વચ્ચે આજે વહેલી સવારે એક ઈકો કાર અકસ્માતે પલ્ટી ખાઈ જતાં કારમાં સવાર એક શ્રમજીવી નું મોત થયું હતું જયારે અન્ય ચાર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરતથી પાંચેક જેટલા શ્રમિકો મારૂતિ ઈકો કારનં-જી-જે-૯-બીએલ-૯૨૨૬ માં બેસી તળાજા તરફ આવી રહ્યાં હતાં. તે વેળાએ ભાવનગર-મહુવા હાઈવે પર પાંચપીપળા ગામ નજીક આવેલ પેટ્રોલપંપ નજીક આ કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ જતાં કારમાં મુસાફરી કરી રહેલ પાંચેય પ્રવાસીઓને નાનીમોટી ઈજા પહોંચી હતી જેમાં લાલા ભાયા ઉ.વ.૩૨ ને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે લાખીબેન રામાભાઈ આલુબેન તિખાભાઈ ને તણસા ૧૦૮ ના પાયલોટ ઉગાભાઈ કામળીયા તથા ઈએમટી વી ડી ગોહિલે તત્કાળ ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જયારે અન્ય ઈજાગ્રસ્તે અન્ય વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.