રાતના રાજાઓ માટે ઘોઘાસર્કલમાં ધમધમશે રાત્રી ખાણી પીણી બજાર

90

અમદાવાદની માફક ભાવનગરમાં પણ સ્ટ્રીટ ક્લીન ફૂડનો પ્રયોગ કરશે મહાપાલિકા
ભાવનગર, તા.૨૯
શહેરના ઘોઘાસર્કલમાં વૃધ્ધાશ્રમવાળા રસ્તે રાત્રી ખાણી પીણી બજાર શરૂ કરવા મહાપાલિકાએ આયોજન કર્યું છે, હાલ સ્ટેન્ડીંગના એજન્ડામાં કાર્ય સમાવાયું છે અને મંજુરીની મહોર લાગવામાં છે. જયારે વેન્ડર્સ ઝોન માટેનો નિર્ણય વિવાદી બનતા તે હાલ પડતો મુકાયો હોવાનું સત્તાવાર રીતે સ્ટેન્ડીંગ ચેરમેને જણાવ્યું હતું.
ઘોઘાસર્કલમાં સ્ટ્રીટ ક્લીન ફૂડ એટલે કે ખાઉં ગલી સ્થાપવા મ્યુ. તંત્રએ બીડું ઝડપ્યું છે. હાલ ખાણી પીણીના શોખીનો માટે આ વિસ્તારમાં નાસ્તાની દરેક ડિશ ઉપલબ્ધ છે પરંતુ સ્ટ્રીટ ફૂડ ક્લીન સ્થાપવાથી રાત્રી દરમિયાન આ બજાર ધમધમતી રહી શકશે અને સ્વાદ પ્રેમીઓને ખાસ કરીને રાતના રાજાઓ માટે વિશેષ સવલત બની રહેશે. હાલમાં અહીં બજાર ધમધમે છે તેને કાયદેસરતા બક્ષવા સાથે નિયંત્રણ હેઠળ લવાશે. રાત્રે આવીને સવાર પડતા જગ્યા ખાલી કરી દેવી પડશે. લારી ગલ્લા સ્થિર નહિ ઉભા રહી શકે. કોર્પોરેશન દ્વારા રાત્રે ટેમ્પલ બેલ મોકલી કચરો એકત્ર કરી લેવાશે જયારે સવાર પડતા સફાઈ થશે. દરેકને પાણીના પોઇન્ટ, લાઈટ વિગેરે પ્રાથમિક સવલત મળી રહે તેવી વ્યવસ્થા ભાડું વસૂલીને અપાશે. આમ, સ્ટ્રીટ ક્લીન ફૂડથી કાયદેસરતા મળવા સાથે તંત્ર પણ તેને નિયંત્રણમાં રાખશે. સ્વાદ રસિયાઓ એક જ સ્થળે વિવિધ ખાદ્ય સામગ્રીની ડિશોનો લુપ્ત ઉઠાવી શકશે. સ્ટેન્ડીંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ જણાવ્યું કે, કોર્પોરેશનના નિયંત્રણ સાથે નગરજનોને સારું અને વ્યવસ્થિત ફૂડ મળી રહે સાથે રાત્રીના સમયે તંત્રની કોઈ રોકટોક નહિ હોય તે સૌથી મોટી ઉપલબ્ધી બની રહેશે.
ગોળીબાર નજીક વેન્ડર્સ ઝોન સ્થાપવાની વિચારણામાં કાચું કપાયું, આખરે નિર્ણય પડતો મુકાયો
ઘોઘાસર્કલ અને રૂપાણીને જોડતા વિસ્તારમાં ગોળીબાર હનુમાનજી મંદિરની સામે તથા ગૌશાળાની પાછળ સ્ટ્રીટ વેનડર્સ ઝોન બનાવી લારી ગલ્લા સહિતના નાના વેપારીઓને ત્યાં સ્થાપવા દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે સ્ટેન્ડિંગમાં ઠરાવ લવાતા સ્થાનિક રહીશો અને ગોળીબાર હનુમાનજી સેવક સમુદાયમાં વિરોધનો સુર ઉઠ્‌યો હતો. ગોળીબારના કલ્યાણીબેનની આગેવાનીમાં સ્ટેન્ડીંગ ચેરમેનને સ્થળ પર વિરોધ દર્શક રજુઆત થતા હાલ વેનડર્સ ઝોનનો નિર્ણય મુલતવી રાખવા નક્કી કર્યાનું સ્ટેન્ડીંગ ચેરમેન ધીરૂભાઇ ધામેલીયાએ જણાવ્યું હતું.

Previous articleમોંઘી કસ્તુરી સસ્તી થતાં ધરતીપુત્રોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો
Next article૩૮.૫ ડિગ્રી સાથે ફરી આંકરી ગરમી શરૂ