ભારે વાહનોની અવરજવર વચ્ચે છાત્રો માથે અકસ્માતનું તોળાતું જોખમ
વલભીપુર શહેરમાં હાઇવે નજીક આવેલી ગંભીરસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માથે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. શાળાએ આવતા-જતાં સમયે વિદ્યાર્થીઓ સાથે અકસ્માતનું જોખમ હોવાનું જણાતાં વાલીઓમાં ચિંતા વ્યાપી છે. મોટા ભાગના છાત્રોને ખુદ વાલીઓ જ સ્કૂલે તેડવા-મુકવા જઇ રહ્યા છે. કેમ કે હાઇવે ટચ શાળા નજીકથી ભારે વાહનોનો ખુબ અવરજવર રહે છે. બેફામ ગતિએ દોડતા વાહનો પર ગતિ નિયંત્રણ માટે રબ્બર સ્પીડ બ્રેકર અથવા ડામરના સ્પીડ બ્રેકર મુકવાની વાલીઓ માંગ કરી રહ્યા છે. શાળા નજીક બમ્પ મુકવાથી વાહનોની ગતિ કાબુમાં રહેતા અકસ્માતનો ભય ઓછો થશે. માર્ગ-મકાન વિભાગના નીતિ નિયમો મુજબ શાળા, કોલેજ અને હોસ્પિટલ જેવા સ્થળોએ ઇમારતની બન્ને તરફના માર્ગો પર સ્પીડ બ્રેકર મુકવા ફરજીયાત હોય છે. ત્યારે ગંભીરસિંહજી શાળાની નજીક કોઈ બમ્પ ન હોવાથી છાત્રો પર અકસ્માતનું જોખમ મંડરાઈ રહ્યું છે. કોઈના વ્હાલાસોયા માસૂમ બાળકોના ગંભીર અકસ્માત થાય એ પહેલાં આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકવાની વાલીઓની માંગણી પ્રબળ બની છે.