એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો કાફલો દોડી ગયો આરોપી ફરાર સી- ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ
ભાવનગર શહેરના શેલારશા ચોક વિસ્તારમાં આવેલ સવાઈગરની શેરીમાં ઘર પાસે મકાન રીનોવેશન માટે નો સામાન મુક્યો હોય જે મુદ્દે બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતાં એક પાડોશીએ પિસ્ટલ જેવાં હથિયાર વડે માતા-પુત્રી પર ધડાધડ ચાર રાઉન્ડ ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો આ ઘટનાને પગલે શહેર-જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર બનાવ અંગે સી-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના શેલારશા ચોક પાસે ઢાળમાં સવાઈગરની શેરી આવેલી છે જેમાં “રહેમત મંઝિલ” નામના મકાનમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા આધેડ અનવર અલી પ્યાર અલી વઢીયાળીયા ઉ.વ.૫૫ પોતાના ઘરનું રીનોવેશન કામ હાથ ધર્યું હોય આથી ઘર બહાર શેરીમાં સિમેન્ટ રેતી પણો સહિતનું રો-મટીરિયલ્સ રાખ્યું હોય આ બાબત અનવરના પાડોશી કરીમ શેરઅલી રાસીયાણી ઉ.વ.આ.૩૫ ને પસંદ ન હોય આથી બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા કરીમે પોતાના ઘરમાંથી પિસ્ટલ જેવું હથિયાર લાવી ફાયરીંગ કરતાં અનવર ની પુત્રી ફરીયાલ તથા પત્ની ફરીદાને માથાનાં ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા સાથે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપી કરીમ ફરાર થઈ ગયો હતો.
આ ઘટનાની જાણ એસપી જયપાલસિંહ રાઠૌર ડીવાયએસપી સફિન હસન એસઓજી એલસીબી તથા સી-ડીવીઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફૂટેલ કાર્ટીસના ખોખા કબ્જે કરી તપાસ હાથ ધરી હતી આ બનાવમાં અનવર અલી એ કરીમ વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.