ઘટ સ્થાપના સવારે ૮.૧૨ કલાકે થશે : નવદુર્ગા ઉપાસના, ગાયત્રી અનુષ્ઠાન, આધ્યાત્મિકતા માટે શ્રેષ્ઠ
૨ એપ્રિલથી હિંદી પંચાંગ પ્રમાણે હિંદુ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે નવું વર્ષ કારતક મહિનાથી શરૂ થાય છે.
શનિવારથી હિંદુ નવું વર્ષ શરૂ થવાથી આ વર્ષના રાજા શનિદેવ છે અને મંત્રી ગુરુ છે. શનિવારથી ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થવાના કારણે માતાનું વાહન ઘોડો રહેશે. આ વખતે નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય, શનિ અને શનિવારનો વિશેષ યોગ ૩૦ વર્ષ પછી બની રહ્યો છે. ૨ એપ્રિલ ચૈત્ર સુદ ૧, શનિવારે ચૈત્રી વાસંતી નોરતા (નવરાત્રી) પંચક યોગ શરૂ થશે. આ શુભ દિવસે શાલિવાહન શક સંવત ૧૯૪૪નો પ્રારંભ થશે, જયારે જ્યોતિષાચાર્યો દ્વારા જ્યોતિષ દિવસની ઉજવણી કરાશે. તેમ જ ૨ એપ્રિલે ઝુલેલાલ-દરિયાલાલ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ગુડી પડવાની ઉજવણી પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, વર્ષની ચાર નવરાત્રિમાંથી આ નવરાત્રીનું વિશેષ મહત્ત્વ સાધના સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગણાય છે. તેમજ આધ્યાત્મિક ઊર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્ર અર્ચન, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન તેમ જ મંત્ર-તંત્રના પ્રયોગ અને પૂજા-પાઠ માટે પણ આ નવરાત્રિ અતિ મહત્ત્વની ગણાય છે. ચૈત્ર નવરાત્રિમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિમાં તંત્ર ક્રિયાઓ ખૂબ જ વધારે કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો ખાસ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે તપ કરે છે. નવરાત્રિમાં કોઈપણ ખાસ જાપ કે તપ ગુરુના માર્ગદર્શનમાં જ કરવું જોઈએ. સામાન્ય લોકોએ નવરાત્રિમાં દેવી મંત્રનો જાપ કરવો જોઈએ. દેવીની સામાન્ય પૂજા કરવી જોઈએ. રામનામનો પણ જાપ કરી શકાય છે. નાની કન્યાઓને દાન કરો, તેમનું સન્માન કરો. વિધિ-વિધાન સાથે દુર્ગાસપ્તશતી કે કાલિકા પુરાણનો પાઠ પણ કરી શકાય છે. ઘટસ્થાપન કરવાનું શુભ મુહૂર્ત સવારે શુભ ચોઘડિયામાં ૮.૧૨થી ૯.૪૪ વાગ્યા સુધી છે. આથી પૂર્વ દિશામાં માતાજીની તસવીર સફેદ કે લાલ કલરના કપડા પર મૂકીને ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન કે આંબાના પાન, સવા રૂપિયો મૂકીને સ્થાપન કરવું જોઈએ. કુળદેવી, ગાયત્રી, મહાકાળીની ઉપાસના કરવા માટે અને સાધના સિદ્ધ કરવા માટે આ નવરાત્રિનું ખાસ મહત્ત્વ છે.