સ્થાનિક દલિત સમાજ દ્વારા ખાતમુહૂર્ત કરાયું, પંચધાતુની પ્રતિમા માટે સમાજ પાસેથી તાંબા પિત્તળ સહિતના વાસણો ઉઘરાવ્યા, ગતરાત્રિના એકઠા થયેલા લોકોને પોલીસે ઘરે મોકલ્યા
શહેરના બોરડીગેટ સર્કલમાં દલિત સમાજ દ્વારા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પંચધાતુની પ્રતિમા આગામી તારીખ ૧૪ એપ્રિલે આંબેડકર જયંતિની મેસેજ મૂકવાનું આયોજન કરાયું છે જોકે તંત્રની હજુ મંજૂરી બાકી હોય ગતરાત્રીના સર્કલમાં એકઠા થયેલા લોકોને પોલીસે વિખેરી ઘરે મોકલ્યા હોવાનું જાણવા મળેલ છે.શહેરના બોરડીગેટ સર્કલ આસપાસ મોટા ભાગના એરિયામાં દલિત સમાજના પરિવારો વસવાટ કરે છે. અને તેમની સોસાયટીઓ આવેલી છે ત્યારે બોરડીગેટ સર્કલમાં દલિત સમાજ દ્વારા ડૉ. બાબાસાહેબ આબેડકરની પંચધાતુની પ્રતિમા મુકવાનો નિર્ણય કરાયો અને સર્કલમાં ખાતમુહૂર્ત કરી દેવામાં આવેલ અને મૂર્તિ માટે સમાજના લોકો પાસેથી તાંબા પિત્તળ સહિત ધાતુના વાસણો પણ ઉઘરાવી લેવામાં આવ્યા છે ત્યારે ગતરાત્રીના આ અંગે બોરડીગેટ સર્કલ ખાતે દલિત સમાજના લોકો એકઠા થયા હતા પરંતુ તંત્ર દ્વારા હજુ મંજૂરી મળી ન હોય પોલીસે એકઠા થયેલા લોકોને વિખેરી ઘરે મોકલી દીધા હોવાનું જાણવા મળેલ છે
એસ.પી, મ્યુ. અધિકારીઓ સાથે આજે થશે મિટિંગ : કોર્પોરેટર જીતુ સોલંકી
બોરડીગેટ સર્કલમાં ડૉ. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવા અંગે દલિત સમાજના આગેવાન અને કોર્પોરેટર જીતુભાઈ સોલંકીએ સૌરાષ્ટ્ર આસપાસ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે આજે એસપી તેમજ મહાપાલિકાના અધિકારીઓ સાથે દલિત સમાજના આગેવાનોની મિટીંગ છે અને તેમાં મંજૂરી સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે તેમ જણાવેલ. તેમણે સમાજના લોકો પાસેથી મૂર્તિ માટે ધાતુના વાસણો ઉઘરાવ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
શહેરમાં ડૉ. આંબેડકરની બીજી પ્રતિમા મુકાશે?
ભાવનગર શહેરના પ્રવેશ દ્વાર સમા જશોનાથ ચોકમાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા વર્ષોથી સ્થાપિત કરવામાં આવી છે અને મોટાભાગના રાજકીય-સામાજિક કાર્યક્રમો ત્યાં કરવામાં આવે છે ત્યારે મહાપાલિકાના બોરડીગેટ સર્કલમાં ડો. આંબેડકરની બીજી પ્રતિમા સ્થાપિત થશે તે અંગે લોકોમા અવઢવ સાથે ચર્ચાઓ થઈ રહી છે.