ભાવનગરમાં માતા-પુત્રી પર ફાયરિંગ કરનાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર, સારવાર દરમિયાન બન્નેના મોત થતા ગુનો બેવડી હત્યામાં પરિણમ્યો

171

સવાઈગર શેરીમાં સામાન્ય બાબતે પાડોશીએ ધડાધડ ફાયરિંગ કરી માતા-પુત્રીની કરપીણ હત્યા કરી નાખી હતી
ભાવનગર શહેરના શેલારશા ચોક પાસે આવેલી સવાઈગરની શેરીમાં ગત તા 31 માર્ચના રોજ પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક પાડોશીએ માતા-પુત્રી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટ્યો હતો. જેમાં ગઈકાલે પુત્રીએ દમ તોડયા બાદ આજે મોડી રાત્રે માતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. જેથી આ બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો છે. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. જોકે, હજી સુધી આરોપી પોલીસ પકડથી દુર છે. શહેરના શેલારશા ચોક પાસે સવાઈગરની શેરીમાં રહેતા અને રીક્ષા ચલાવતા અનવરઅલી પ્યારઅલી વાઢીયાળીયાએ પોતાના મકાનનું રીનોવેશન કામ હાથ ધર્યુ હતું. ત્યારે રેતી સિમેન્ટ સહિતનું રો-મટીરિયલ્સ ઘર બહાર શેરીમાં મુક્યું હતું. જે સંદર્ભે પાડોશી શખ્સ કરીમ શેરઅલી રાસયાણીએ અનવરના પરીવાર સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. તેમજ તેની પાસે રહેલી પિસ્ટોલ વડે ત્રણ-ચાર રાઉન્ડ ફાયરીંગ કરી અનવરની પત્ની ફરીદાબેન તથા પુત્રી ફરિરલને ગોળી મારી દીધી હતી. જેથી બન્નેને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ આરોપી નાસી છુટ્યો હતો. બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં શનિવારે પ્રથમ ફરિયલે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો જયારે રવિવારે રાત્રે ફરીદાબેનનું પણ મોત નિપજતા સમગ્ર ઘટના બેવડી હત્યામાં તબદીલ થઈ છે. આ ઘટનાને પાંચ દિવસ વિતવા છતાં આરોપી હજુ પણ પોલીસની પહોંચથી દૂર છે. આ ઘટનામાં પિસ્ટોલથી ફાયરિંગ કરનારો આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય જે અંગે અગાઉ પણ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે. તેમજ આરોપીના ઘરમાંથી તિક્ષણ હથિયારો પણ મળી આવ્યા હતા. ફાયરિંગ કરનાર આરોપી કરીમ નામનો ઈસમ દરજીકામનો વ્યવસાય કરી રહ્યો હતો અને આ ઇસમ વારંવાર શેરી વિસ્તારમાં ઝઘડાઓ કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પાંચ દિવસ વિતવા છતાં આરોપી પોલીસના હાથમાં લાગ્યો નથી, ત્યારે મૃતકના પરિવારજનો દ્વારા રિવોલ્વરથી ફાયરિંગ કરનારા આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માંગ કરવામાં આવી છે.

Previous articleભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની બે વિદ્યાર્થિનીની વુમન ક્રિકેટ લીગમાં પસંદગી
Next articleબે માસ પૂર્વે રાણપુર શહેરમાંથી મળેલી બાળકી ખુશી ને વાલી વારસ વગરની લાવારીસ જાહેર કરવામાં આવી.!