રાત્રીનુ તાપમાન પણ ૨૫ ડિગ્રી વટાવી જતા નગરજનોમાં ભારે અકળામણ
સમગ્ર રાજ્યના કેટલાંક જિલ્લા તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાંચ દિવસ સુધી હિટવેવ રહેવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પ્રથમ દિવસથી જ ભાવનગરમા અસર શરૂ થઈ હોય તેમ દિવસ તથા રાત્રીના તાપમાનમાં વધારો થવા પામ્યો છે. અને ઉનાળાના ખરા તાપનો લોકોને અનૂભવ થવા પામ્યો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઉતર ગુજરાતના જિલ્લાઓ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તા.૪થી ૮ એપ્રિલ દરમિયાન વાતાવરણ સુકુ રહેવાના કારણે તાપમાનમાં વધારો થવા સાથે હિટવેવની આગાહી આપવામાં આવેલ છે જેના પ્રથમ દિવસે જ ભાવનગરમાં અંસર શરૂ થઈ હોય તેમ દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવા પામ્યો છે.સોમવારે ભાવનગરમા મહતમ તાપમાન ૩૯.૨ ડિગ્રી, તેમજ લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી રહેવા પામ્યું હતું જેના કારણે નગરજનોએ ભારે અકળામણનો અનુભવ કર્યો હતો. ચાર દિવસમાં ભાવનગરમા તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોચવાની શકયતાઓ દર્શાવાઇ રહી છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમીમાં કામ સિવાય ઘરની બહાર ન નિકળવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.