કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુનું કહેવું છે કે પીએમ સાથે મુલાકાત ફક્ત પંજાબના મુદ્દાઓ પર ચર્ચા માટે હતી
ચંડીગઢ,તા.૫
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરનારી કોંગ્રેસને શું વધુ એક ઝટકો મળવાનો છે? આ સવાલ એટલા માટે ઊભો થાય છે કે પાર્ટી સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બિટ્ટુ પીએમ મોદીને મળ્યા. ત્યારબાદ અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. આ મુલાકાતને લઈને લુધિયાણાના કોંગ્રેસ નેતાના પાર્ટી બદલવાના તેવા સંકેત તરીકે જોવામાં આવી રહી છે. લુધિયાણાથી કોંગ્રેસના સાંસદ રવનીત સિંહ બિટ્ટુનું કહેવું છે કે પીએમ સાથે મુલાકાત ફક્ત પંજાબના મુદ્દાઓ પર ચર્ચા માટે હતી. તેમના નીકટના લોકોએ પણ એ વાતનો ઈન્કાર કર્યો કે બિટ્ટુ ભાજપ જોઈન કરવાના છે. તેમણે કહ્યું કે પીએમ ઈચ્છે છે કે બિટ્ટુ પંજાબમાં સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી સામે લડે. અત્રે જણાવવાનું કે પોતાના દાદ અને પૂર્વ સીએમ બિયંત સિંહની વર્ષ ૧૯૯૫માં હત્યા બાદ બિટ્ટુ પાર્ટીમાં હિન્દુ ચહેરા તરીકે ઓળખાય છે. સીનિયર કોંગ્રેસ નેતાએ પીએમ સાથે મુલાકાતના ફોટા ટ્વીટ કર્યા છે જેમાં કેપ્શનમાં લખ્યું છે કે આજે દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી સાથે મુલાકાત કરી અને પંજાબના મુદ્દાઓ પર ચર્ચા કરી. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના હાથે હારનો સામનો કર્યા બાદ રાજ્ય કોંગ્રેસ હાલ ’સાયલન્ટ મોડ’માં છે. પાર્ટી તરફથી આ મુલાકાત અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. આમ તો પાર્ટી નેતાઓનું માનવું છે કે આ મુલાકાત અંગે બહુ વિચારવાની જરૂર નથી. ગત મહિને આવેલા ચૂંટણી પરિણામો બાદ પંજાબમાં કોંગ્રેસ આઘાતમાં સરી પડી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પંજાબમાં ધમાકેદાર જીત નોંધાવી અને એકલે હાથે કોંગ્રેસ, અકાલી દળ અને ભાજપને પછાડ્યા હતા. કોંગ્રેસનું પ્રદર્શન તો એટલું ખરાબ રહ્યું કે ૨૦૧૭માં ૭૭ બેઠક મેળવનારી પાર્ટી આ વખતે ફક્ત ૧૮ બેઠક જ મેળવી શકી. હાર બાદ રાજ્ય કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપવું પડ્યું. પંજાબ વિધાનસભામાં નેતા વિપક્ષ પણ હજુ સુધી નિયુક્ત કરાયા નથી. રવનીતસિંહ બિટ્ટુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નીકટના ગણાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ પાર્ટીથી નારાજ છે. વાત જાણે એમ છે કે બિટ્ટુ ઈચ્છતા હતા કે તેમને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવે. પરંતુ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્ની પર વિશ્વાસ જતાવ્યો હતો. બિટ્ટુ ચન્ની, સિદ્ધુ અને અમરિન્દર સિંહના વિરોધી ગણાય છે. ભલે બિટ્ટુની ભાજપમાં જવાની અટકળો ફગાવવામાં આવતી હોય પરંતુ સીએમ ન બની શકવાની કસકના પગલે તેઓ પક્ષપલટો કરે તે શક્યતા નકારી શકાય નહીં.