ઉંમરલાયક વૃધ્ધ દંપતીઓના પ્રેમનું માધુર્ય તેમના મીઠા ઝઘડામાં જોવા મળે છે. જેમ કે-/
“અરે ઓ સાંભળો છો?” રસોડામાંથી ડોશીમાનો રેડીયો સિલોન પરથી વધતાધટતા અવાજે ગીતોનું પ્રસારણ થતું એવા ફલ્કચ્યુએશન સાથે અવાજ રેડાય.
“ ના નથી સંભળાતું.” ડોસા ટીખળ કરે.
“બીજી સગલાઓનું તો મૌન પણ સંભળાય છે. મારો વીજળીના ગગડાટ જેવો અવાજ સંભળાતો નથી.” અને ડોસીનો બબડાટ ટપકતા નળની જેમ ચાલું રહે.
“ હું કયાંથી સાંભળું? મારા કાન ખોવાઈ ગયા છે!!” ડોસા સ્પષ્ટતા કરે છે. તમને થાય કે દાદાનું ચસકી ગયું છે? કાન કંઇ ખોવાય કે ચોરાય? અરે ભાઇ દાદા હીયરીંગ એઇડ પહેરે છે. એ આડું અવળું થઇ ગયું છે. સાંભળવાના મશીન વિના કયાંથી સંભળાય?
એક આવો જ રમૂજી પ્રસંગ
“એ સાંભળે છે?” દાદાએ ડ્રોઇંગરૂમમાંથી રસોડા તરફ અવાજ ઝીંક્યો .
“શું છે ભૈસાબ? સવારમાં સખેથી રાંધવાય દેતા નથી” આમ કહેતા કહેતા ભીના હાથ સાડીથી લૂંછવા લૂછતી ડગુમગુ એકસપ્રેસ ડ્રોઇત્રગરૂમમાં પ્રવેશે.
“ મારા વાંચવાના ચશ્મા મળતા નથી.” ડોસા તકલીફ બ્યાન કરે.
અરે કાંખમાં છોકરૂંને ગામ ગજવો છો? મારા અને તમારા ચશ્મા ઠઠાડયા છે. લાવે મારા ચશ્મા .” ડોશીમાં બરાડે.
ડોસા ડોસી વચ્ચે દાંતનું ચોકઠું – ડેન્ચર એક હોય ત્યારે પણ તેના વપરાશ માટે જમાવટ થાય છે!!
લગ્ન થયા પછી પત્ની કહે કે રાત છે. પતિ બહાદુર( પતિ અને બહાદુર? શું જોક મારો છો તેમ વાંચકો પૂછી શકે!! આ તો વિયાજસ્તુતિ અલંકાર છે)ચૂપચાપ પત્નીની હામાં હા પુરાવે. લગ્નના અમુક વરસ પછી આવો સમર્પણભાવ રહેતો નથી!!
ઉપર લખી એવી નોકજોક દરેક જગ્યાએ છે. પાણીને અડધો ગ્લાસ ભરેલો -અડધો ખાલી મામલે તીખી નોકજોક થાય. બંને પક્ષો બરાડા પાડે.હાથ લાંબાટુંકા કરે. ગાળ વચનો ઉચ્ચારે. અંતમાં તો બંને સાચા હોય. દરેક પદાર્થને જોવાના નજરિયા એટલે કે દ્રષ્ટકોણનો સવાલ હોય. કેટલીક બાબતમાં અનુમાન પૂર્વાનુમાન દ્રઢ હોય છે. જેમ કે સરકાર કહે કે બેરોજગારી ઘટી છે. અભ્યાસુ માહિતીના ડુંગરા ખોદીને સરકારના દાવાને વિગતે પડકારે!!સરકાર કહે કે ગરીબી ઘટી છે. પેલા લોકો તૂટી પડે.આંકડા,ગ્રાફ ,સ્ટડી રીપોર્ટર હવાલો આપે!!
હમણા હમણા જંગલ વિસ્તાર વધ્યોનો દાવો કરાયો. સરકાર એક હેકટરથી વધુ વિસ્તારમાં વૃક્ષોની ૧૦ ટકાથી વધુ ડેન્સિટીને જંગલ આચ્છાદિત વિસ્તાર માને છે. આ નકકી કરવા માટે રિમોટ સેન્સિંગ ટેકનિક કરીને તેની જમીનની સપાટી પર ખરાઇ કરવામાં આવે છે. સૌથી ઘાટા જંગલોમાં ટ્રી કેનોપીની ડેન્સિટી ૭૦ ટકા, મધ્યમ કક્ષાના જંગલોની ૪૦ થી ૭૦ ટકા જયારે આનાથી પણ ઓછી ૧૦ થી ૪૦ ટકા જેટલી ડેન્સિટીવાળા જંગલોને ઓપન ફોરેસ્ટ કહેવામાં આવે છે. આ ગણતરીમાં ચાના બગીચા પણ ગણી લેવામાં આવેલ છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા (એફએસઆઇ)ના અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતમાં જંગલ વિસ્તાર ૫૧૮૮ વર્ગ કિમીનો વધારો થયો છે. આ વધારા સાથે જ દેશના કુલ ભૌગોલિક વિસ્તારના ૨૫ ટકા ભાગમાં જંગલ વૃક્ષો છવાયેલા છે.જંગલ વિસ્તાર નક્કી કરવાના આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ જંગલ વિસ્તાર નક્કી કરવાના અનેક માન્ય ધોરણ છે. જે ધ્યાને લેતાં જંગલ વિસ્તાર ૩.૭૪%ઘટયો છે. છે ને ખાસમખાસ લોલમલોલ! જંગલ ઘટ્યા તો પણ જંગલ વધ્યા છે. આનું નામ જ જંગલનું મંગલ દંગલ દબંગ છે!!!
જ્યારે પેટ્રોલના ભાવો સાતત્યસભર વધતા હતા ત્યારે કેટલાક લોકોએ પેટ્રોલના ભાવોમાં ભાવવધારાનો ગ્રાફ પાતાળમાં જાય તેવું મેન્યુપ્લેટેશન કર્યું હતું. તમે લાકડાને વાળી શકો નહીં પણ આંકડાને ગમેતેમ ગમેત્યાં ગમેતેટલી વખત વાળી શકે છો. આંકડાશાસ્ત્રની ખૂબસુરતી છે!!મુદો નેગેટીવ હોય કે પોઝિટિવ તજજ્ઞો નિષ્ણાતો વાક્યુધ્ધ કરતા રહે એ જ દુરસ્ત ચુસ્ત તત્રદુરસ્ત લોકશાહીની નિશાની છે!!
લડતે રહો જબતક મુર્દે ઔર મુદેમેં હૈ જાન!!
– ભરત વૈષ્ણવ