દેશમાં પ્રથમ વખત રાજ્યસભામાં બનેલી ઘટના : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટ્ન્ટસ એન્ડ કંપની સેક્રેટરી એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૨ પસાર થયું
નવી દિલ્હી, તા.૬
દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એક ખરડો મંગળવારે રાજ્યસભામાં પસાર થયો હતો. લાંબી ચર્ચા, નાણા મંત્રીના ૨ કલાક ૨૦ મિનિટના જવાબ સામે, આ ખરડામાં ૨૦૦ જેટલા ફેરફારના સૂચનો હોવા છતાં માત્ર ૨૦ જ મિનિટમાં વોઇસ વોટ (એટલે ખરડાની સામે કે તરફેણમાં મતદાન નહિ પણ માત્ર હા અને ના ના અવાજથી) તે પસાર થયો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટ્ન્ટસ એન્ડ કંપની સેક્રેટરી એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૨ આ રીતે પસાર થયું હતું.આ ખરડામાં સુધારા માટે સીપીઆઈ(એમ)ના સભ્ય જોન બ્રીતાસે લગભગ ૧૬૯ સુધારા સૂચવ્યા હતા. તેમણે પોતાના દરેક સુધારા માટે વોટિંગની માગ કરી હતી પણ દરેક નકારમાં આવ્યા હતા. આ ખરડા થકી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટન્ટ એમ ત્રણેય સંસ્થાના વ્યવસાયિકો અને તેના કાયદા હેઠળ નોંધાયેલી ફર્મ સામે શિક્ષાત્મક કાર્યવાહી, દેખરેખ અને નિયંત્રણ શક્ય બનશે. કોર્પોરેટ અફેરસ મંત્રાલયના સચિવ અને ત્રણેય સંસ્થાના પ્રતિનિધિઓની એક સમિતિ આ પ્રકારે વ્યવસાય ઉપર દેખરેખ રાખશે. લોકસભામાં આ ખરડો માર્ચની તા. ૩૦ના રોજ મંજૂર થયો હતો. હવે રાષ્ટ્રપતિની સહી બાદ આ ફેરફાર અમલમાં બનશે. કોંગ્રેસ, તૃણમૂલ, ડીએમકેએ ખરડાની ટીકા કરી હતી અને વિરોધ કરતા તેને વ્યવસાયિકોની સ્વાયત્તતા ઉપર તરાપ ગણાવ્યો હતો. વિરોધ પક્ષોની ધારણા છે કે સમિતિમાં જે લોકો આ ત્રણ સંસ્થા અંગે કોઈ અનુભવ ધરાવતા નથી, જે સભ્ય નથી એવા લોકોની નિમણુક થશે જેથી કાયદો એકદમ નરમ બની જશે.