ગોરખપુર કાંડ બાદ મુખ્યમંત્રી યોગીની સુરક્ષામાં વધારો કેન્દ્રીય સુરક્ષા દળોની બે પ્લાટૂન ૨૪ કલાક હાજર રહેશે
લખનૌ, તા.૭
ગોરખનાથ મંદિરની બહાર પોલીસકર્મચારીઓ પર થયેલા હુમલા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. તમામ મંદિરો અને મઠોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. કાલીદાસ માર્ગ સ્થિત સીએમ આવાસ પર સીઆરપીએફની ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે. ગોરખપુર કાંડ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સુરક્ષા દળોની બે પ્લાટૂનના ૭૨ મહિલા અને પુરુષ જવાન ૨૪ કલાક હાજર રહેશે. સીએમ આવાસની બહાર સીઆરપીએફની ૨૩૩ બટાલિયનની અલ્ફા યુનિટ પણ છે જેમાં મહિલા જવાન હોય છે. હાલના દિવસોમાં મુખ્યમંત્રી આવાસ પર જનતા દરબાર લાગી રહ્યો છે જેમાં યુપીના અલગ-અલગ ખુણામાંથી આવેલા ફરિયાદી પોતાની ફરિયાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે મૂકે છે. જનતા દરબારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ ન કરે અને લોકોની તપાસ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે લખનૌ પોલીસને આપવામાં આવેલ સીઆરપીએફ યુનિટને સાવચેતીના પગલા તરીકે મૂકવામાં આવ્યું છે.
ગોરખનાથ મંદિરની સુરક્ષામાં કરવામાં આવ્યો વધારો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સમીક્ષા બાદ ગોરખનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. મંદિરના પ્રથમ ગેટ પર જ હથિયારબંધી પીએસીના જવાનને તૈનાત કરી દેવામાં આવ્યા છે. દરેક મુલાકાતીઓની તલાશી લેવામાં આવી રહી છે. મહિલાઓની તલાશી માટે મહિલા પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે. ગોરખનાથ મંદિરના મેન ગેટ સુધી કોઈ પણ ગાડીના પ્રવેશ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે. ગાડીઓનું પણ ચેકિંગ કરાવવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ લાગતા દરેક વ્યક્તિ પર તેનું ઓળખપત્ર માગવામાં આવી રહ્યું છે. ગોરખનાથ મંદિરની બહાર મુર્તુઝા નામના યુવકે ધાર્મિક નારા લગાવતા મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો અને સુરક્ષામાં તૈનાત પીએસીના બે જવાનો પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો હતો. અત્યાર સુધીની તપાસમાં પોલીસે મુર્તઝાના આતંકવાદી કનેક્શનનો દાવો કર્યો હતો. આ ઘટના બાદ ગોરખનાથ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.