ભાવનગરની પીએનઆર સોસાયટી સંચાલિત નટરાજ સીપી સ્કૂલ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયો

59

મગજનો લકવા ધરાવતા અને અન્ય દિવ્યાંગ બાળકો દ્વારા કલા પ્રસ્તુતિ કરવામાં આવી
PNR સોસાયટી ભાવનગર સંચાલિત નટરાજ સેરેબ્રલ પાલ્સી (મગજનો લકવો) ધરાવતા બાળકોના વિશિષ્ટ શિક્ષણ અને તાલીમ તથા સાર-સંભાળ માટેની સંસ્થા ખાતે ફાગુનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએનઆર સોસાયટી સંચાલિત નટરાજ સેરેબ્રલ પાલ્સી-સીપી સ્કૂલ દ્વારા નટરાજ ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓનો ત્રિવિધ કાર્યક્રમ ‘ફાગુનોત્સવ’ યોજાયો હતો. જેમાં મગજનો લકવા ધરાવતા અને અન્ય દિવ્યાંગ બાળકો દ્વારા કલા પ્રસ્તુતિ, શાર્તુલ એવોર્ડ્સ વિતરણ તથા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયો હતો. દિવ્યાંગ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તેમની સુષુપ્ત ક્ષમતાઓને અભિવાદિત કરવા માટે દિવ્યાંગો દ્વારા મનોરંજનનો રસથાળ રજૂ કરવામાં આવ્યો હતો.

સી.પી., ઓટિઝમ, મલ્ટિપલ ડિસેબિલિટી અને સમધારણ બાળકો દ્વારા મનોરંજનથી ભરપૂર રંગારંગ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની સાથો-સાથ સંસ્થાના અનંતભાઈ કે. શાહ (બાબાભાઈ)ના 88મા જ્ન્મદિનને હાજર સૌ કોઈએ ઉજવ્યો હતો, બાબાભાઈએ આ પ્રસંગે આશીર્વચન આપ્યા હતા. તેમજ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ જીજ્ઞાબેન સોલંકીએ શાર્તુલ ફાઉન્ડેશન-મુંબઈ દ્વારા અપાયેલી આર્થિક સહાયમાંથી રોકડ તથા એવોર્ડ ઉપસ્થિત મહાનુભાવોના વરદ્દ હસ્તે અર્પણ કરાવ્યા હતાં.

આ કાર્યક્રમમાં મુખ્યઅતિથિ મુકેશભાઈ જોધવાણી, ડો.ધવલભાઈ સોલંકી, સંસ્થાના ફાઉન્ડર બાબાભાઈ, મહામંત્રી પારસભાઈ શાહ, માનદ્દ મંત્રી કિરીટભાઈ રાઠોડ, સહમંત્રી ધીરૂભાઈ ધંધુકિયા, મહાસુખભાઈ જકડિયા, હર્ષકાન્તભાઈ રાખશિયા, પ્રદીપભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ પંડ્યા, જીતુભાઈ મહેતા, મફતભાઈ, અમરજયોતિબા (સિલ્વર બેલ્સ સ્કૂલ), અંબિકાબેન ટેકરીવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleભાવનગરમાં દિકરી દિકરા સમોવડી બની, પુત્રીઓએ માતાને કાંધ આપી મુખાગ્નિ આપ્યો
Next articleખડસલીયા ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો.