રાત્રીનુ તાપમાન પણ ૨૬ ડિગ્રીએ પહોચતા લોકો ગરમીથી અકળાયા
ભાવનગર શહેર-જિલ્લામાં ચૈત્ર માસમાં ઉનાળાએ વૈશાખી સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ગુરૂવારે એક જ ઝાટકે ૨.૧ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીને પાર પહોંચતા આભમાથી જાણે રીતસર અંગારા વરસી રહ્યાં હોય એવું વાતાવરણ સર્જાયું છે જયારે રાત્રીના તાપમાનમાં પણ વધારો થતા લઘુતમ તાપમાન૨૬ ડિગ્રી પહોચ્યૂ હતુ.આ વર્ષે ઉનાળાની સિઝનનુ સૌથી વધુ તાપમાન નોંધાયું છે. દર વર્ષે વૈશાખ માસમાં મહત્તમ તાપમાનનો પારો એવરેજ વધતો જતો હોય છે પરંતુ એ પૂર્વે ચૈત્ર માસમાં તાપમાન સામાન્ય રીતે ૩૫ થી ૩૯ ડીગ્રી વચ્ચે નોંધાતુ હોય છે પરંતુ વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલ જળવાયું અને ગ્લોબલ વોર્મિંગને પગલે આજે દરેક ઋતુ પ્રભાવિત થઈ છે. જેમાં ઉનાળો પણ બાકાત નથી ઉનાળાની ઋતુમાં એવરેજ તાપમાનથી વધુ તાપ પડે એટલે ગણતરીના દિવસોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે માવઠા જેવી સ્થિતિ સર્જાય છે રાજ્યના હવામાન વિભાગે પાંચ દિવસનું યલો એલર્ટ આપ્યું હતું કે જેમાં રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન વધવાની આગાહી કરી હતી આ આગાહી પૂર્ણ થયા બાદ ભાવનગરમાં તાપમાનનો ગ્રાફ ઉંચો જતાં હવામાન વિભાગના નિષ્ણાતો પણ હેરતમા મુકાયા છે ગુરૂવારે સવારે ૧૦ વાગ્યાથી જ સૂર્યનારાયણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આવ્યાં હોય તેમ આભમાથી અંગારા વરસાવવાનુ શરૂ કર્યું હતું અને સાંજે સૂર્યાસ્ત બાદ પણ રોડપર લૂ ફૂંકાઈ રહી હતી ભર બપોરે કુદરતે સંચાર બંધી જાહેર કરી હોય તેમ થોડા સમય માટે રોડ-રસ્તાઓ સૂમસામ બન્યાં હતાં રખડતાં પશુઓથી લઈને અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલા લોકોએ પણ આકરાં તાપથી બચવા છાંયડે આશરો લીધો હતો દિવસ દરમિયાન લૂ લાગવાના બનાવો પણ વધ્યા હતા.