બે વર્ષનાં અંતરાલ બાદ ચૈત્રી નવરાત્રિની માઈ ભક્તો-શ્રદ્ધાળુઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરાઈ
મા આદ્ય શક્તિ અંબાના ચૈત્રી નવરાત્રિ હવે પૂર્ણતા તરફ છે. ત્યારે સમગ્ર ગોહિલવાડમાં માઈ ભક્તો દ્વારા ચૈત્રી અષ્ટમી તથા નવમી તિથિ નિમિત્તે હોમ-હવન નવરંગા માંડવા સહિતના સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ વડવાળા ચામુંડા માઇ મિત્ર સેવા ટ્રસ્ટ દ્વારા અષ્ટમીનો નવચંડી હોમાત્મક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. “કોરોના” મહામારીની પરીસ્થીતી સામાન્યથી સામાન્ય થઈ ગઈ છે ત્યારે વર્ષોથી ઉજવાતા તહેવારો-ઉત્સવોની ઉજવણીના રંગ પણ ફરી એકવાર ખીલી ઉઠ્યાં છે. હાલમાં ચૈત્ર માસની નવરાત્રિનું પાવન પર્વ એટલે માં ના નવલાં નોરતાં ચાલી રહ્યા છે. આ નવલાં નોરતાંનું આપણે ત્યાં આદ્યાત્મિક મહાત્મ્ય સવિશેષ હોય છે. લોકો-શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમ્યાન માં જગદંબાની વિશેષ ઉપાસનાઓમા લીન રહે છે અને સુરભીક્ષની વૈશ્વિક કામનાઓ કરે છે.
આજે આ નવલાં નોરતાંનો આઠમો દિવસ છે. આથી પ્રથા મુજબ આઠમા તથા નવમા નોરતે એટલે કે અષ્ટમી અને નોમ તિથિ એ માતાના મઠોમાં મંદિરોમાં તથા શક્તિપીઠો માં દૈવી યજ્ઞોનુ આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞ સાથે પારિવારિક મેળાવડાઓનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલા નાનામોટા તમામ ગામડાઓમાં કુળદેવીઓના સ્થાનકે આ બે દિવસ દરમ્યાન યજ્ઞ-યજ્ઞાદિ કાર્યો ઉપરાંત માતાજીના ખાસ ગુણગાન માટે નવરંગા માંડવા સહિતના આયોજનો મોટી સંખ્યામાં કરાઈ છે.
વડવાળા ચામુંડા માઇ મિત્ર સેવા ટ્રસ્ટ દ્વારા નવચંડી હોમાત્મક મહાયજ્ઞના સફળ આયોજન માટે જીતુ સોની, પ્રવિણ સોની, યોગેશ પટેલ, મનોજ શાહ, હરદેવસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા રાજુભાઈ સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી હતી. આવતીકાલ એટલે રવિવારે રામનવમી પર્વ સાથે ચૈત્રી નવરાત્રિનું સમાપન થશે. આ દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાનશ્રી રામના પ્રૃથ્વિ પ્રાગટ્ય દિન તરીકે રામનવમીની ઉજવણી કરવામાં આવશે. ભગવાન રામલલ્લાના જન્મોત્સવની પણ શહેર-જિલ્લામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.