ખોટી ચલણી નોટોની બેગ અર્પણ કરી સરકાર સામે સુત્રોચાર કર્યા
ભાવનગર મહાપાલિકાના ભાજપના સત્તાધીશો દ્વારા ઘરવેરા અપગ્રેડનું બહાના તળે વધારો ઝીંકાતા સામાન્ય વર્ગના લોકોની મુશ્કેલી વધી છે. ઘરવેરા વધારા વિરોધમાં શુક્રવારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા નવતર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયરને ખોટી નોટો પૈસા ભરેલી બેગ અર્પણ કરી હાલમાં ભાજપને નાણાની ખાસ જરૂરીયાત હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું. મહાપાલિકાના પટ્ટાંગણમાં ભાજપની રીતી-નિતી સામે સુત્રોચ્ચાર કરાયા હતા અને વેરો વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. કોરોના મહામારીના ગત બે વર્ષ જે લોકોના ધંધા રોજગાર બંધ હતા હાલમાં ધંધા રોજગાર માંડ શરૂ થયા છે તેવા સંજોગોમાં ગરીબી, બેકારી, મોંઘવારીએ માજા મુકી છે. લોકો મોંઘવારીથી ભારે ત્રાહીમામ પોકારી ગયા છે. આવી પરિસ્થિતીમાં ભાવનગરના ઘણા વિસ્તારોમાં ઘરવેરા અપગ્રેડનું બહાનુ કાઢી ઘરવેરો વધાર્યો છે. ખાસ કરીને શહેરના કાળીયાબીડ તેમજ અન્ય વિસ્તારોમાં ખુબજ વધારો થયો છે. જે ભરવો ખુબજ મુશ્કેલ છે.આ વધારો પાછો ખેંચી લેવા કોંગ્રેસના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી. આ વેળાએ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, ભાવ.મ્યુનિ.વિપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયા, ઉપનેતા કાંતિભાઈ ગોહેલ સહિત કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવકો, પદાધિકારીઓ, હોદ્દેદારો મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, સેવા દળ, એન.એસ.યુ.આઇ. સહિતના જુદાજુદા સંગઠનોના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.