ઓઇલ કંપનીઓએ ક્રૂડ ઓઇલની કિંમત ૧૦૦ ડૉલર પ્રતિ બેરલ ઉપર જતાં કિંમતમાં વધારો શરૂ કર્યો છે
મુંબઇ, તા.૯
ટીપે ટીપે સરોવર ભરાય તેની જેમ પેટ્રોલ-ડીઝલની કિંમત પણ ૮૦-૮૦ પૈસા કરીને રૂપિયામાં વધી રહી છે. દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલે સદી ફટકારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૨૨મી માર્ચથી ભાવ વધારાની શરૂઆત કરી હતી. જે બાદમાં અત્યારસુધી પેટ્રોલમાં ૧૦.૨૦ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઈ ચૂક્યો છે. જોકે, આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. ઓઇલ કંપનીઓએ દેશની રાજધાની નવી દિલ્હી સહિત દેશના ચાર મહાનગરોમાં અને મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રાખી છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે ૧૦૫.૪૧ રૂપિયા પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૨૦.૫૧ રૂપિયા છે. ઓઇલ કંપનીઓએ ક્રૂડ ઓઇલની કિંમત ૧૦૦ ડૉલર પ્રતિ બેરલ ઉપર જતાં નુકસાન સરભર કરવા માટે તાબડતોબ કિંમતમાં વધારો શરૂ કર્યો છે. ૧૬ દિવસમાં ૧૪ વખત ભાવમાં વધારો કરવામાં આવી ચૂક્યો છે.