રાજકોટ,તા.૧૦
રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચનાથ મંદિરથી પાલખીયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને ગરૂડ ગરબી ચોકમાં પાલખીયાત્રા પહોંચી હતી. પંચનાથ મંદિરથી ગરૂડ ગરબી ચોક સુધીના રૂટમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા પાલખીયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવિકોને શરબતરૂપી પ્રસાદીનું વિતરણ કર્યું હતું. પાલખીયાત્રામાં બાળકો હનુમાનજીનો વેશ ધારણ કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ ઠેર ઠેર ભગવો લહેરાતા વાતાવરણ ધાર્મિક બની ગયું છે.
શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોકમાં આકર્ષક ફ્લોટ્સ મુકવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.યાત્રાધામ વીરપુર પાસે આવેલા મેવાસા ગામે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના સંત શિરોમણી ભક્ત શ્રી રામબાપૂની પ્રાચીન જગ્યા આવેલી છે. અહીં રાજાશાહી વખતથી ભગવાન શ્રીરામની જન્મ જયંતિ ઉજવાઇ છે. પરંતુ કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ રામનવમી મહોત્સવ સાદાઈથી ઉજવવામાં આવતો હતો. પરંતુ આ વર્ષે કોરોના મહામારી નહીંવત થતા આ વર્ષે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં સવારે ૨૧ કુંડી મહાયજ્ઞ તેમજ ભગવાન શ્રીરામના પ્રાગટય દિવસે લોકમેળોનું આયોજન કરવામાં આવ્યું છે.રામનવમીનો પવિત્ર તહેવાર છે. ત્યારે રાજકોટમાં કોરોનાને કારણે બે વર્ષથી ન યોજાયેલી ભગવાન રામની પાલખીયાત્રા આ વર્ષે હર્ષોલ્લાસ સાથે યોજાઇ હતી. રામલલ્લાની પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ભાવિકોના જયશ્રી રામના જયઘોષ સાથે રાજકોટના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા. પાલખીયાત્રામાં ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. મેયર ડો.પ્રદીપ ડવ અને ડેપ્યુટી મેયર દર્શિતા શાહ પણ પાલખીયાત્રામાં જોડાયા હતા.