મુંબઇ,તા.૧૧
આઇપીએસમાં કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના સ્પિનર ચહલે કરેલા ચોંકાવનારા ખુલાસા અંગે ગંભીર પ્રતિક્રિયા આપી છે. શાસ્ત્રીએ કહ્યું છે કે, ચહલની જિંદગી જોખમમાં મૂકનારા ક્રિકેટર પર આજીવન પ્રતિબંધ મૂકાવો જોઈએ. અગાઉ ચહલે ખુલાસો કર્યો હતો કે, વર્ષ ૨૦૧૩માં તે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ હતો, ત્યારે દારુના નશામાં ચકચૂર એક સાથી ખેલાડીએ તેને ૧૫માં માળની અગાસીમાંથી બહારની તરફ લટકાવ્યો હતો.શાસ્ત્રીએ કહ્યું કે, આ કંઈ હસી કાઢવાની વાત નથી. હું જાણતો નથી કે, તે કયો ખેલાડી હતો, પણ તે ભાનમાં તો નહતો જ. જો આવી પરિસ્થિતિ હોય તો તે ગંભીર કહેવાય. કોઈ ખેલાડીની જિંદગી જોખમમાં મૂકાઈ હતી. કેટલાક લોકોએ આ વાત મજાક જેવી લાગી શકે છે, પણ હું તેને ખુબ જ ગંભીરતાથી લઉં છું.તેણે ઊમેર્યું કે, જ્યારે કોઈ વ્યક્તિનું તેના ખુદ પર જ નિયંત્રણ ન હોય અને તેમાં તે આવું કરે ત્યારે ભુલ કરવાની સંભાવના વધી જાય છે. આવું તો સ્વીકારી જ શકાય નહીં. ખેલાડીઓએ આવી ઘટના અંગે તત્કાળ સંબંધિત સત્તાધીશોને જાણ કરવી જોઈએ, જેથી યોગ્ય પગલાં ભરી શકાય. અલબત્ત, ચહલના આ ખુલાસા પછી હજું સુધી બીસીસીઆઇ કે આઇપીએલના સત્તાધીશોએ કોઈ પ્રતિક્રિયા સુધ્ધાં આપી નથી.