સાળંગપુરમાં દાદાના દર્શને અંદાજે 10 લાખથી વધુ ભક્તો ઉમટશે,
શ્રી સ્વામિનારાયણ મંદિરવડતાલધામ સંચાલિત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.૧૫-૦૪-૨૦૨૨ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવ બે વર્ષ બાદ ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અંદાજે 10 લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જંયતીના દિવસે આવશે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એક સાથે દસ હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે તે માટે 6 વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે અહીં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે.
” શુક્રવારે 15મી તારીખે બપોરે 3થી 7 વાગ્યા સુધી શ્રી નારાયણકુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની હાથી પર ભવ્ય શોભા યાત્રા નિકળશે. આ શોભાયાત્રામાં હજારો બહેનો મસ્તક પર દાદાના અભિષેકનું જળ ધારણ કરશે. 251 પુરુષ અને મહિલા સાફાધારણ કરીને શોભાયાત્રમાં જોડાશે. તો 108 બાળકો ધ્વજ લહેરાવી શોભાયાત્રાને મહેકાવશે. શોભાયાત્રામાં નાશિક ઢોલ, DJ અને બેન્ડવાજા પણ લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત દેશી ઘોડાગાડી અને બળદગાડું પણ શોભાયાત્રામાં ખાસ આકર્ષણ જમાવશે. આ દરમિયાન સંતો દ્વારા 251 કિલો ફૂલ અને 25 હજાર કિલો ચોકલેટનો દર્શનાર્થીઓ પર વરસાદ કરાશે.”
* મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરો યોજાશે.
15 તારીખે રાત્રે 8.30 વાગ્યાથી મોડી સુધી અહીં ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હિતેશભાઈ અંટાળા અને જાદુગર અમિતભાઈ સોલંકી, સાહિત્યકાર શ્રી મેસવાણીયા શ્રદ્ધાળુઓને જમાવટ કરાવશે.
* પંચમુખી યજ્ઞમાં 1 હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે.
16 તારીખે એટલે કે, હનુમાન જયંતીના દિવસે દાદાના દરબારમાં પંચમુખી સમુહ મારુતી યજ્ઞ યોજાશે. જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ, સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે.
મંદિર તરફ પ્રવેશવા માટેનો રૂટ.
– અમદાવાદ – ધંધુકા – બરવાળા તરફથી તથા ભાવનગર – વલ્લભીપુર તરફથી સાળંગપુર – બોટાદ તરફ જતાં ફક્ત કેરીયાઢાળથી વાહનો જ પ્રવેશી શકશે.
– કેરીયાઢાળ – લાઠીદડ – સમઢીયાળા – સેંથળી – સાળંગપુર (પાર્કિંગ) તરફનો રૂટ વન વે રહેશે.
– બોટાદથી સાળંગપુર તરફ જતાં તમામ વાહનો માટે ફક્ત જ્યોતીગ્રામ સર્કલ, બોટાદ (ભાવનગર રોડ) – સમઢીયાળા – સેંથળી – સાળંગપુર (પાર્કિંગ) તરફનો રૂટ વન વે રહેશે.
– અમદાવાદ – ધંધુકા – બરવાળા તરફથી તથા ભાવનગર – વલ્લભીપુર તરફથી બોટાદ તરફ જતાં વાહનો માટે કેરીયાઢાળ – લાઠીદળ – જ્યોતિગ્રામ સર્કલ (બોટાદ)નો રૂટ વન વે રહેશે.
– સાળંગપુરથી અમદાવાદ – ધંધુકા -બરવાળા તરફ તથા ભાવનગર – વલ્લભીપુર તરફ જતાં વાહનો માટે સાળંગપુર -ખાંભડા -બરવાળા (સાળંગપુર રોડ T પોઇન્ટ) તરફનો રૂટ વન વે રહેશે.
– સાળંગપુરથી બોટાદ તરફ આવતાં વાહનો માટે સાળંગપુર – સેંથળી – એસ્સાર પેટ્રોલપંપ, બોટાદ (મિલિટ્રી રોડ T રોડ) રૂટ તરફથી વાહનો પસાર થઈ શકશે.
– બોટાદથી અમદાવાદ તરફ જતાં વાહનો માટે બોટાદ – મિલિટ્રી રોડ – રાણપુર – ધંધુકા રૂટ પરથી વાહનો પસાર થઈ શકશે.
– બોટાદથી બરવાળા તરફ જતાં વાહનો માટે સમઢીયાળા – લાઠીદડ – કેરીયાઢાળ તરફથી વાહનો પસાર થઈ શકશે.
* આ રૂટ પર વાહનો પ્રવેશી શકશે નહીં.
– અમદાવાદ – ધંધુકા – બરવાળા તરફથી તથા ભાવનગર – વલ્લભીપુર તરફથી સાળંગપુર – બોટાદ તરફ જતાં વાહનો બરવાળા – સાળંગપુર T પોઇન્ટથી પ્રવેશી શકશે નહીં.
– બોટાદ એસ્સાર પેટ્રોલપંપ, મિલિટ્રી રોડ T પોઇન્ટથી સેંથળી – સાળંગપુર રોડ પર વાહનો પ્રવેશી શકશે નહીં.
તસવીર-વિપુલ લુહાર