ભાવનગરની મધ્યમા આવેલું છે 225 વર્ષ જૂનું ગોળીબાર હનુમાનજી મહારાજાનું મંદિર

176

મંદિરના મંહત મદનમોહનદાસ બાપા છેલ્લા 60 વર્ષથી દાદાની સેવા કરી રહ્યા છે
ભાવનગર એટલે આઝાદી પહેલાનું ગોહિલવાડ સ્ટેટ અને આ ગોહિલવાડની ભૂમિ એટલે સંતો મહંતોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ગોહિલવાડ સ્ટેટ સમયે ભાવનગર શહેરના છેવાડે તે સમયે એક મેદાન હતું. જેનું નામ જવાહર મેદાન હતું અને અહીં તે સમયે આર્મીના જવાનો માટે આ જગ્યા ફાયરિંગ બટ તરીકે ઓળખાતી જગ્યા હતી. અહીં લશ્કરના જવાનો ફાયરિંગની તાલીમ લેતા હતા. આજથી અંદાજે 225 વર્ષ પહેલા અહીં લશ્કરના જવાનો ફાયરિંગની તાલીમ લેતાં હતાં. તે સમયે તેઓને અલૌકિક ચમત્કાર થયો અને આકાશી તેજ પ્રસર્યું હતું. ત્યારે તેઓને એક મૂર્તિ નજરે ચડી હતી જે આજે ભાવનગરની મધ્યમાં આવેલા ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે બિરાજમાન છે.

આ મંદિરને આજ કારણથી ગોળીબાર હનુમાનજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મૂર્તિને મેદાનની સામેના છેડે સ્થાપિત કરવામાં આવી હતી. નાની દેરીથી બનેલું મંદિર આજે ગોળીબાર હનુમાનજી મંદિર તરીકે જાણીતું બન્યું છે. અહીં લશકરના જવાનોને ગોળીબારની તાલીમ અપાતી હતી. એટલે આ મંદિરનું નામ ગોળીબાર હનુમાનજી તરીકે જાહેર થયું હતું. અહીં હાલમાં મંદિરના મહંત તરીકે મદનમોહનદાસજી બાપા હનુમાનજી મહારાજની સેવા કરી રહ્યા છે.

પૂજ્ય બાપાની ઉમર 115 વર્ષથી વધુ છે અને નાદુરસ્ત તબિયતના કારણે તેઓ અસ્વસ્થ છે. પૂજ્ય બાપા એ અહીં નાની દેરીમાંથી વિશાળ શિખર બદ્ધ મંદિરનું નિર્માણ કર્યું છે. અહીં હનુમાનજીની મૂર્તિ ઉપરાંત હિન્દૂ સમાજના અનેક દેવ દેવીઓના મંદિર અને મૂર્તિઓ જોવા મળે છે. જેના કારણે તમામાં વર્ગના ભક્તજનો આ મંદિર પ્રત્યે આસ્થા ધરાવે છે. આ મંદિરના મંહત પૂજ્ય મદનમોહનદાસ બાપા દ્વારા છેલ્લા 60 વર્ષથી શહેરમાં જુદી જુદી જગ્યાએ રહેતા લોકોને દરરોજ સાંજે ભોજન માટે હનુમાનજી મહારાજની પ્રસાદી રૂપે અન્ન ક્ષેત્રની સેવા આપે છે. આ મંદિરમાં દરરોજ સવારે જરૂરિયાત વાળા લોકોને છાશનું પણ વિતરણ કરવામાં આવે છે. અહીં મંદિરની સામે આવેલી ગૌશાળામાં 200 થી વધુ ગાયની સારસંભાળ રાખવા આવે છે. અહીં વાર તહેવારોમાં ગાય માટે ઔરમુ તેમજ લાડવા અને માલપુવાનું ભોજન પ્રસાદી રૂપે પીરસવામાં આવે છે. પૂજ્ય બાપાનો મંત્ર રહ્યો છે કે, ગૌ સેવા પરમો ધર્મ અને તે વાતને પૂજ્ય બાપાની સાથે સેવક સમુદાય પણ અનુસરી રહ્યો છે. પૂજ્ય મદનમોહનદાસ બાપા દ્વારા ભૂકંપ હોઈ કે વાવાઝોડું કે અન્ય આફતોના સમયે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ભૂકંપ સમયે પૂજ્ય બાપા ખુદ કચ્છ દોડી ગયા હતા અને હજારો લોકોને હનુમાનજી મહારાજની પ્રસાદી તરીકે કીટનું વિતરણ કર્યું હતું. વાવાઝોડાના સમયે સ્થાનીક લોકો માટે કઢી ખીચડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપા દ્વાર ગોળીબાર હનુમાનજી મંદિર ઉપરાંત ઉખરલા તેમજ ચરખા(બાબરા) ખાતે અને સ્થાનિક બાવળીયા હનુમાનજી મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યા છે. ગોળીબાર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજની 5 અલગ અલગ મુદ્રાની પ્રતિમાઓ જોવા મળે છે. જવાહર મેદાનમાં વિવિધ કથાકારોની યોજાતી કથાઓના સમયે પૂજ્ય બાપા દ્વારા અહીં  અન્નક્ષેત્ર ખુલ્લા મુકવામાં આવે છે અને લોકો મોટી સંખ્યામાં પ્રસાદી લાભ લેતા હોઈ છે. અહીં રામનવમી, હનુમાનજયંતિ, અન્નપૂર્ણા માતાજીનું વ્રત અને સાતમ, આઠમ તેમજ શિવરાત્રી, જયા-પાર્વતી સહિતના પ્રસંગોની ઉજવણી પણ ઉત્સાહ ભેર કરવામાં આવે છે. ગૌ સેવા અને ભૂખ્યાને ભોજન અને અને સદાવ્રતના કારણે આ મંદિર ગુજરાત અને દેશભરમાં જાણીતું બન્યું છે. આ મંદિરમાં હાલ પૂજ્ય મદનમોહનદાસ બાપાની સેવામાં સરજુદાસજી મહારાજ તેમજ પૂજ્ય કલ્યાણીબેન સેવા આપી રહ્યા છે, અહીંયા મંદિરે હનુમાનજી મહારાજા ના દર્શને દરરોજ ભાઈઓ-બેહનો બહોળી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે.

Previous articleયુએસ સામે જયશંકરના સ્પષ્ટ વલણથી લોકો ખુશ
Next articleનવતર વિરોધ: ભાવનગરના નિલમબાગ સર્કલ ખાતે શહેર કોંગ્રેસે હનુમાન ચાલીસાના પાઠ કર્યા, બેનરમાંથી ભાજપ પ્રદેશ પ્રમુખ તથા શિક્ષણમંત્રીનું નાક કાપ્યું