ક.પરાના બનાવમાં યુવાનને સર ટી. હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળી હોવાનો આક્ષેપ : પોલીસ દોડી ગઇ
ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા એક ૩૦૨ ના આરોપીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં ગંભીર હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો.આ ઘટનામાં હોસ્પિટલ માં ફરજરત તબિબોએ યુવાનની સમયસર સારવાર ન કરી સારવાર માટે પૈસા ની માંગ કરી હોવાના આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કરચલીયાપરા નાની સડક પાસે રહેતો રામજી દિનેશ વાઘેલા ઉ.વ.૨૨ એ શુક્રવારે રાત્રે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં તેના મોટાભાઈ અજય દિનેશ વાઘેલા તથા તેના મામા ભાવેશ હરગોવિંદ બાંભણીયા સહિતનાઓ યુવાન રામજી ને ગંભીર હાલતે સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં લાવ્યાં હતા જયાં સારવારમાં તેનું મોત થયું હતું આથી ઉશ્કેરાયેલા પરીજનોએ હોસ્પિટલ સ્ટાફ તથા સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગળાફાંસો ખાઈ લેનાર યુવાનની સારવાર માટે પૈસા ની માંગ કરી હતી પરંતુ પૈસા ન આપતાં સ્ટાફે સારવારમાં વિલંબ-બેદરકારી દાખવતા યુવાનનું મોત થયું છે જયારે સિક્યુરિટી સ્ટાફે અજય ભાવેશ સહિતનાઓ વિરુદ્ધ એવો આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં આ લોકો ટોળું લઈને આવી ન્યુસન્સ ફેલાવ્યુ હતું તથા તબિબો સાથે અસભ્ય વર્તન કર્યું હતું આ બંને પક્ષોની દલીલો પોલીસે નોંધી તપાસ હાથ ધરી હતી વધુ માં જાણવા મળતી માહિતી મુજબ મૃતક હત્યાના કેસમાં સંડોવાયેલ હોય અને તાજેતરમાં જામીન પર મુક્ત થયો હતો.