નવી દિલ્હી,તા.૧૬
રાહુલ ત્રિપાઠી તથા એઈડન માર્કરામની આક્રમક અડધી સદીની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં પોતાની વિજયકૂચ જાળવી રાખી છે. આઈપીએલ-૨૦૨૨માં શુક્રવારે રમાયેલા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સાત વિકેટે વિજય નોંધાવ્યો હતો. હૈદરાબાદનો આ સળંગ ત્રીજો વિજય છે. હૈદરાબાદે અત્યાર સુધી પાંચ મેચ રમી છે જેમાંથી તેણે ત્રણ મેચ જીતી છે. શુક્રવારે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોલકાતાએ નિતિશ રાણા અને આન્દ્રે રસેલની આક્રમક બેટિંગની મદદથી નિર્ધારીત ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૭૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદે ૧૭.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૭૬ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. ૧૭૬ રનના લક્ષ્યાંકના જવાબમાં હૈદરાબાદે ત્રણ રનના સ્કોરે ઓપનર અભિષેક શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે ત્રણ રન નોંધાવ્યા હતા. જ્યારે સુકાની કેન વિલિયમ્સન ૧૭ રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, રાહુલ ત્રિપાઠી અને એઈડન માર્કરામે આક્રમક બેટિંગ કરીને હૈદરાબાદની જીતને આસાન બનાવી દીધી હતી. આ જોડીએ ૯૪ રનની ભાગીદારી નોંધાવી હતી. ટીમ વિજયથી થોડા રન દૂર હતી ત્યારે રાહુલ ત્રિપાઠીની શાનદાર ઈનિંગ્સનો અંત આવ્યો હતો. રાહુલ ત્રિપાઠીએ ૩૭ બોલમાં ચાર ચોગ્ગા અને છ સિક્સર સાથે ૭૧ રન ફટકાર્યા હતા. જ્યારે માર્કરામે ૩૬ બોલમાં અણનમ ૬૮ રન નોંધાવ્યા હતા જેમાં છ ચોગ્ગા અને ચાર સિક્સર સામેલ હતી. કોલકાતા માટે આન્દ્રે રસેલે બે તથા પેટ કમિન્સે એક વિકેટ ઝડપી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. વેંકટેશ ઐય્યર અને એરોન ફિંચની ઓપનિંગ જોડી ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહી હતી. બંને બેટર બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યા ન હતા. ટીમનો સ્કોર ૨૫ રન હતો ત્યારે બંને પેવેલિયન ભેગા થઈ હતા. જ્યારે સ્કોર ૩૧ સુધી પહોંચ્યો ત્યારે સુનીલ નરૈન પણ આઉટ થઈ ગયો હતો. ઐય્યરે છ તથા એરોન ફિંચે સાત રન નોંધાવ્યા હતા. જ્યારે સુનીલ નરૈને છ રનનું યોગદાન આપ્યું હતું.