આ દરમિયાન ૨૧૪ લોકોના મોત થયા : દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં અચાનક ઉછાળો
નવી દિલ્હી,તા.૧૮
દેશમાં ફરી એકવાર કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. દરરોજ કોવિડ-૧૯ કેસની સંખ્યા છેલ્લા ૨૪ કલાકમાં બમણી થઈને એક મહિનામાં પહેલી વખત ૨૦૦૦ થી વધારે થઈ ગઈ છે. સરકારી આંકડા અનુસાર કેરળમાં મહામારીથી થતી મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે દેશમાં એપ્રિલ મહિનામાં કોરોનાની મહામારીએ ખુબ જ તબાહી મચાવી હતી. એપ્રિલમાં દેશ વૈશ્વિક કોવિડ સંકટના કેન્દ્રમાં હતો. પરંતુ ત્યારથી સ્થિતિમાં સુધારો થયો છે અને હાલમાં માસ્ક પહેરવા સહિતની મોટાભાગની સાવધાનીઓને હટાવી દેવામાં આવી છે. પરંતુ થોડા દિવસથી દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે.
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોરોનાને લઇને સાવધાનીઓ વધારી દેવામાં આવી છે. ભારતના સૌથી વધારે આબાદીવાળા રાજ્યના કેટલાક જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર સોમવારે કોરોનાના ૨૧૮૩ નવા કેસ સામે આવ્યા છે. ત્યારે આ દરમિયાન ૨૧૪ લોકોના મોત થયા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, કેરળે ૧૩ એપ્રિલ બાદથી કોરોનાથી થતા મોતના આંકડા મોકલ્યા નથી. પાંચ દિવસના ગેપના કારણે મોતનો આંક્ડો આટલો વધારે દેખાઈ રહ્યો છે. આકંડામાં અચાનક ઉછાળાને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને કહ્યું કે, દરરોજ અને સાવધાનીપૂર્વક કોવિડના આંકડા મોકલવા ખુબ જ જરૂરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૫,૨૨,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ કેટલાક વૈશ્વિક વિશેષજ્ઞોએ કહ્યું કે, ભારતમાં કોરોનાથી થતા મોતની સંખ્યા ૪૦ લાખથી વધારે થઈ શકે છે. ભારત સરકાર આ અનુમાનોને વાંરવાર નકારી રહી છે. ભારત સરકારનું માનવું છે કે નાના દેશમાં મોતનું અનુમાન લગાવવા માટે ઉપયોગમાં લેવાતું ગણિતીય મોડલ પર વિશ્વાસ કરી શકાય નહીં. કેમ કે, ભારતની જનસંખ્યા ખુબ જ વધારે છે.