ભાવનગરના ત્રીજા એડી.સેશન્સ જજ કોર્ટનો ચુકાદો
સાડાત્રણ વર્ષ પુર્વે ભાવનગર શહેરનાં પીલગાર્ડનનાં દરવાજા પાસે વડવા જમોડ સ્કુલની નજીકમાં એક યુવાન ઉપર ચાર શખ્સોએ જીવલેણ હથીયારો વડે હુમલો કરી હત્યા કરી હતી. આ અંગેને કેસ આજરોજ ભાવનગરના ત્રીજા એડીશનલ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા, અદાલતે સરકારી વકિલની દલીલો, આધાર- પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી મુખ્ય બે આરોપીઓ સામે હત્યાનો ગુન્હો સાબીત માની આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.8-11-18 ને 8:30 કલાકે રાત્રીના સુમારે મરણ જનાર ગોપાલ ધર્મેશભાઈ ડાભી (ઉ.વ.20, રહે. પાનવાડી) નામના યુવાન ઉપર જુના લડાઈ ઝઘડાની દાજ રાખી આ કામનાં આરોપીઓ (1) રીપલ ધીરૂભાઈ મકવાણા, રહે.વડવા, પાનવાડી, લીમડી ચોક, બ્રાહ્મણવાળો ખાંચો (2) રીધ્ધેશ રાજુભાઈ ચૌહાણ, રહે.વડવા, પાનવાડી, લીમડીવાળો ચોક, મેલડી માતાના મંદિર પાછળ, (3) ઈકબાલ વલીમહંમદ બેલીમ રહે.માજીરાજ ગેસ્ટ હાઉસ, પી.ડબલ્યુ.ડી સ્ટાફ ક્વાર્ટસ, મોજેશ્વર મહાદેવના મંદિર સામે, (4) ભુપતભાઈ ઉર્ફે મોરભાઈ કાનજીભાઈ ચૌહાણ રહે.વડવા, પાનવાડી, લીમડી ચોક, મેલડી માતાના મંદિર પાસે) નામના ચાર શખ્સોએ અગાઉના લડાઈ ઝઘડાની દાજ રાખી એકસંપ કરી ભાવનગર શહેરના પીલગાર્ડનના દરવાજા પાસે, વડવા, જમોડ સ્કુલની બાજુમાં ગોપાલ ધર્મેશભાઈ ડાભી (ઉ.વ.20, રહે. પાનવાડીવાળા)ને ઉપરોક્ત કામનાં આરોપીઓએ બોલાચાલી કરી, ઝઘડો કરી, પાણીના પાઉચ લેવા ગયા હતા તે વેળાએ છરી, તલવાર જેવા ઘાતક હથીયારો વડે ગંભીર ઈજા પહોંચાડતા જેમાં ગંભીર રીતે ઘવાયેલ ગોપાલભાઈ ડાભીનું મોત નીપજતા આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો.આ બનાવ અંગે મરણ જનારના પીતા ધર્મેશભાઈ ડાભીએ નીલમબાગ પોલીસ મથકમાં ઉક્ત ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો. કલમ 302 સહીતનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડી. સેશન્સ જજ ઝંખનાબેન વી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ જયેશભાઈ પંડ્યાની દલીલો, 23 મૌખીક પુરાવા, 37 દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને રાખી આ કામનાં મુખ્ય આરોપી નં.1 રીપલ ધીરૂભાઈ મકવાણા તથા આરોપી નં.૩ ઈકબાલ વલીમહંમદ બેલીમનાઓને ઈ.પી.કો.ની કલમ 302 સાથે વાંચતા 34 મુજબના શિક્ષાપાત્ર ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી આજીવન કેદ તથા આરોપીઓને રૂા.10 હજારનો દંડ ફરમાવવામાં આવે છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.