દિલ્હી કેપિટલ્સે નવ વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો

48

નવી દિલ્હી,તા.૨૧
બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ ડેવિડ વોર્નરની તોફાની અડધી સદી અને પૃથ્વી શોની આક્રમક બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બુધવારે નવ વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૨૦૨૨માં બુધવારે દિલ્હી કેપિટલ્સનો સામનો પંબાજ કિંગ્સ સામે હતો. પરંતુ આ મેચ જીતવા માટે દિલ્હીને વધારે મહેનત કરવી પડી ન હતી. પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યા બાદ દિલ્હીએ મયંક અગ્રવાલની આગેવાનીવાળી ટીમને ૨૦ ઓવરમાં ૧૧૫ રનના સ્કોરે ઓલ-આઉટ કરી દીધી હતી. જેના કારણે દિલ્હી સામે ૧૧૬ રનનો આસાન લક્ષ્યાંક આવ્યો હતો. તેમાં પણ પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની ઓપનિંગ જોડીએ કરેલી ઝંઝાવાતી બેટિંગે આ લક્ષ્યાંકને એકદમ આસાન બનાવી દીધો હતો. દિલ્હીએ ફક્ત એક વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર પાડ્યો હતો. રિશભ પંતની આગેવાનીવાળી ટીમે ૧૦.૩ ઓવરમાં એક વિકેટે ૧૧૯ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સ ટીમ સામે ૧૧૬ રનનો લક્ષ્યાંક હતો. આ લક્ષ્યાંકને પૃથ્વી શો અને ડેવિડ વોર્નરની તોફાની ફટકાબાજીએ આસાન બનાવી દીધો હતો. આ જોડીએ પ્રથમ વિકેટ માટે ફક્ત ૬.૩ ઓવરમાં જ ૮૩ રન ફટકારી દીધા હતા. બંને બેટરે આકર્ષક બેટિંગ કરી હતી. જોકે, પૃથ્વી શો અડધી સદી ચૂકી ગયો હતો. તેણે ૨૦ બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સાથે ૪૧ રન નોંધાવ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નર અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. તેણે ૩૦ બોલમાં ૬૦ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં ૧૦ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. આ ઉપરાંત સરફરાઝ ખાને અણનમ ૧૨ રન નોંધાવ્યા હતા. પંજાબ માટે એકમાત્ર વિકેટે રાહુલ ચહરે લીધી હતી. દિલ્હીએ ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, પંજાબની બેટિંગ અત્યંત કંગાળ રહી હતી અને તે ફક્ત ૧૧૫ રનના સ્કોર પર ઓલ-આઉટ થઈ ગઈ હતી. ટીમની પ્રથમ વિકેટ ૩૩ રનના સ્કોર પર પડી હતી અને ત્યારબાદ ૫૪ રનના સ્કોર સુધીમાં તેની ચાર વિકેટ પડી ગઈ હતી. ઓપનર શિખરન ધવન અને જોની બેરસ્ટો ૯-૯ રન નોંધાવીને આઉટ થયા હતા. જ્યારે લિયામ લિવિંગસ્ટોન ફક્ત બે રનમાં જ પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

Previous articleગોહિલવાડમાં કમોસમી છાંટણા સાથે વાદળછાયું વાતાવરણ
Next articleમેરે પાસ બુલડોઝર હૈ!!