સાત માસ પુર્વે ભાવનગર જિલ્લાના શિહોરમાં ઘાંચીવાડ વિસ્તારમાં એક યુવાન ઉપર પાંચ શખ્સોએ એકસંપ કરી જીવલેણ હુમલો કર્યા અંગેની જે – તે સમયે શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ંઅંગેનો કેસ ચાલી જતા પાંચેય આરોપીઓ સામે ગુન્હો સાબીત માની તમામને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. ગત તા.૩૦-૮-૨૧ના રોજ રાત્રીના પોણા અગીયાર વાગ્યાના સુમારે જુનેદભાઈ ઉર્ફે જુલ્ફી આરીફભાઈ કાઝી (ઉ.વ.૨૮, રહે.લીલાપીર વિસ્તાર ટાણા રોડ, શિહોર) જલુના ચોકમાં દુધ લેવા જતા હોય , તે દરમ્યાન ઘાંચીવાડમાં મોંઘીબાની જગ્યા તરફ જતા રોડ પર અકરમભાઈ ઉર્ફે ડોડી ઉસ્માનભાઈ ડોડીયા, ફરીદખાન યુનુસખાન પઠાણ , તાહીર ઉર્ફે બડુ હનીફભાઈ ઉર્ફે મધુભાઈ દસાડીયા, અલ્તાફભાઈ ઉર્ફે ડોડી ઉસ્માનભાઈ, સેજાદભાઈ આસીફભાઈ ડોડીયા શિહોરવાળાઓએ આવીને જુનેદભાઇને જેમ ફાવે તેમ ગાળો આપી અગાઉ જુનેદ ઉપર અલ્તાફે ફાયરીંગ કરેલ હોય જેની ફરિયાદ કરેલ હોય જે ફરિયાદ પાછી ખેંચી લેવા કહેતા જુનેદે ફરિયાદ પાછી ખેંચવાની ના પાડતા અલ્તાફે જુનેદને મોત નીપજાવવાના ઈરાદે માથાના ભાગે તલવાર વડે મારી જીવલેણ ઈજા કરી તથા સેજાદે ધોકા વડે શરીરના ભાગે મુઢ ઈજા કરી ફરીયાદીને નીચે પાડી દઈ આ દરમ્યાન અકરમ, ફરિદ તથા તાહીરે આવી તલવાર લોખંડના પાઇપ વડે ફરીયાદીને માથાના ભાગે જીવલેણ ઈજા કરી બંને પગે મારી ગંબીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટેલ. આ બનાવ અંગે જે – તે સમયે જુનેદભાઈ ઉર્ફે જુલ્ફી આરીફભાઈ કાઝીએ શિહોર પોલીસ મથકમાં પાંચેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓ સામે ઈ.પી.કો. કલમ ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૬ (૨), ૧૧૪, ૨૦૧ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ સહિતનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વિકેલ મનોજભાઈ જોષીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ પાંચેય આરોપીઓ સામે ગુનો સાબીત માની ૧૦ વર્ષની કેદ અને ૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો.