૧૦ લાખના ખાનગી જામીન મંજૂર, તેમણે સજાનો અડધો સમય જેલમાં પૂરો કરી લેવાના આધારે જામીન અપાયા
નવી દિલ્હી, તા.૨૨
લાલુ પ્રસાદ યાદવને ઝારખંડ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. જસ્ટિસ અપરેશ સિંહની કોર્ટમાંથી તેમને જામીન મળ્યા છે. ચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરંડા મામલે લાલુ યાદવને ૫ વર્ષની સજા સંભળાવાઈ હતી. નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. કોર્ટે શુક્રવારે ૧૦ લાખ રૂપિયાના ખાનગી જામીન મંજૂર કર્યા છે. તેમણે સજાનો અડધો સમય જેલમાં પૂરો કરી લેવાના આધારે જામીન આપવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવને હજુ સુધી કુલ ૪ કેસમાં સજા થઈ છે અને હવે તમામ કેસમાં તેમને જામીન મળ્યા છે. જે બાદ તેમનો જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો વિસ્તૃત બની ગયો છે. સીબીઆઈએ આ મામલે કાઉન્ટર એફિડેવિટ ફાઈલ કરી કહ્યુ હતુ કે લાલુ પ્રસાદએ સજાનો અડધો સમય પૂરો કર્યો નથી. કોર્ટે સીબીઆઈની દલીલને ફગાવી દીધી. રાંચી સ્થિત સીબીઆઈ કોર્ટે ૨૧ ફેબ્રુઆરીએ રાંચીના ડોરંડા ટ્રેઝરીમાંથી ૧૩૯ કરોડની ગેરકાયદેસર ઉપાડ મામલે લાલુ પ્રસાદને દોષી કરાર દેતા પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સીબીઆઈ કોર્ટના આદેશ વિરૂદ્ધ લાલુ પ્રસાદ યાદવએ ઝારખંડ હાઈકોર્ટમાં ૨૪ ફેબ્રુઆરીએ અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટની જે બેન્ચમાં લાલુ યાદવનો કેસ નોંધ્યો હતો, તે બેન્ચ ૧ એપ્રિલે બેસી નહીં. જે બાદ સુનાવણી ૮ એપ્રિલે થઈ. સુનાવણી દરમિયાન સીબીઆઈએ કાઉન્ટર એફિડેવિટ ફાઈલ કરવા માટે કોર્ટમાંથી સમય માગ્યો. કોર્ટે સીબીઆઈના આગ્રહને સ્વીકારતા ૨૨ એપ્રિલએ સુનાવણીની તારીખ નક્કી કરી હતી. હાલ લાલુ પ્રસાદ યાદવ ન્યાયિક કસ્ટડીમાં છે. બીમારીઓના કારણે નવી દિલ્હી સ્થિત એઈમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે.