પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કરતાં પકડાયેલા ઉમેદવારો સામે સખત પગલાં લેવાશે
સમગ્ર રાજ્ય સાથે ભાવનગરમાં આવતીકાલે યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે તંત્ર દ્વારા બેઠક યોજી હતી. આ પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપવાં માટે આજે કલેકટર કચેરી ખાતે રાજ્ય સરકાર દ્વારા ભાવનગર ખાતે યોજાનારી પરીક્ષા માટે ખાસ નિમેલા અધિકારી એવાં ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. ભાવનગર જિલ્લામાં 60,698 ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે. 197 બિલ્ડિંગ અને 2,094 બ્લોકમાં આ પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ છે આ બેઠકમાં ઉદ્યોગ કમિશનરએ પરીક્ષા સંચાલન તથા તેની સાથે સંકળાયેલ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરીને આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેના પગલાઓની તલસ્પર્શી સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટર પાસેથી પરીક્ષાની તૈયારીઓના નવાં પગલાંઓ વિશેની માહિતી લઇને સમગ્ર પરીક્ષા માઇક્રો પ્લાનીંગ સાથે યોજાય તે માટેના ઉપયોગી સૂચનો કર્યા હતાં. તેમણે જણાવ્યું કે, આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરતાં ઝડપાયેલા ઉમેદવારો સામે સખત પગલાં લેવામાં આવશે. પરીક્ષા આપતાં ઉમેદવારો કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાય અને પોતાની તૈયારીઓ પર વિશ્વાસ રાખીને શાંતિથી પરીક્ષા આપે તે માટેનો અનુરોધ પણ તેમણે કર્યો હતો. ઉદ્યોગ કમિશ્નરે પરીક્ષા માટેની એસ.ઓ.પી નું પાલન થાય તથા સંવેદનશીલ કેન્દ્રો પર વધુ ધ્યાન આપીને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લાના અધિકારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેવાની છે તેના વિશે વિસ્તૃત વિગતો આપી હતી. પોલીસ તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર અને તેની આસપાસ પણ સઘન નિગરાની રાખીને અસામાજિક તત્વો પરીક્ષામાં વિક્ષેપ ન પાડે તે માટે આવાં તત્વો પર અગાઉથી નિગરાની રાખી સઘન સર્વેલન્સ પર તેમણે ભાર મૂક્યો હતો. કલેક્ટર યોગેશ નિરગુડેએ આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્રના પ્રવેશ પર જ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ન પ્રવેશે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે પરીક્ષાના સરળ સંચાલન માટે ગૌણ સેવા મંડળની પરવાનગી સિવાયનો પરીક્ષા સાથે સંકળાયેલ સ્ટાફને પણ પરીક્ષા કેન્દ્ર અને તેનાં પરિસરમાં મોબાઇલ કે કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે પ્રવેશે નહીં તે અંગેની કડક તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પરીક્ષામાં જિલ્લાના પ્રાંત અધિકારીઓ ફ્લાઇંગ સ્ક્વોડ સાથે વિવિધ પરીક્ષા કેન્દ્રોની નિગરાની રાખે તે પ્રકારની વ્યવસ્થા જિલ્લામાં કરવામાં આવી છે. આ ઉપરાંત શાળાના સ્ટાફને તેમની શાળાને બદલે અન્ય કેન્દ્ર પર પરીક્ષાની કામગીરી સોંપીને પરીક્ષાની ગોપનીયતા જળવાય અને શાંતિપૂર્વક પરીક્ષા યોજાય તે માટે જિલ્લા તંત્ર સજ્જ છે. આ બેઠકમાં દરેક કેન્દ્ર પર સી.સી.ટી.વી., એસ.ટી. બસની વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વિજળીની વ્યવસ્થા, પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ સહિતના વિષયોની ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં 60,698 ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે. 197 બિલ્ડિંગ અને 2,094 બ્લોકમાં આ પરીક્ષા માટેની વ્યવસ્થા કરાઇ છે અને પરીક્ષા યોજવાં માટે તંત્ર સજ્જ છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર પરવાનગી સિવાયની કોઇપણ વ્યક્તિ પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ સાથે પ્રવેશ કરે નહીં. પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ કે કોપીયર કેન્દ્રો ચાલું ન રહે તે માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતાં. આ પરીક્ષામાં સુચારુ આયોજન અંગેની બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.જે. પટેલ, એ.એસ.પી. સફીન હસન, જિલ્લા શિક્ષણાધિકારી એન.જી. વ્યાસ, પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી.મિયાણી તથા પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.