જમીનના ઝઘડામાં મારામારી થયેલી : ચાલુ કેસ દરમિયાન બે આરોપીઓના મૃત્યુ નિપજતા એબેટ જાહેર કરાયા
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર નવા રતનપર ગામે રહેતા કુંવરબેન મંગાભાઇ ચુડાસમાએ આજથી ૨૧ વર્ષ પૂર્વે વરતેજ પોલીસ મથકમાં આ ગામમાં જ રહેતા માવજી ગોપાભાઇ ચુડાસમા, ઘેલા માવજીભાઇ ચુડાસમા, દિવાળીબેન માવજીભાઇ ચુડાસમા, લીલીબેન ઘેલાભાઇ ચુડાસમા, સોનાબેન નાનજીભાઇ ચુડાસમા સહિતનાઓ સામે એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓએ જમીન વધુ લીધી હોવાનું બહાનુ કાઢી ઉક્ત તમામે એકસંપ કરી પોતાનો સમાન હેતુ પાર પાડવા ગેરકાયદે મંડળી રચી જીવલેણ હથિયારો ધારણ કરી ઘેલા ચુડાસમાએ તેણીને માથાના ભાગે ધારીયુ મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે અન્યએ સાહેદ દામાભાઇ ગોપાભાઇને લાકડીઓ ફટકારી ઇજા પહોંચાડી ટયુબલાઇટ ફોડી નાખી નુકશાન પહોંચાડયું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા વરતેજ પોલીસે આઇપીસી ૩૨૩, ૩૨૪, ૩૨૬, ૫૦૪, ૪૪૭, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાલુ કેસ દરમિયાન માવજીભાઇ ગોપાભાઇ ચુડાસમા અને દિવાળીબેન માવજીભાઇ ચુડાસમાના મૃત્યુ નિપજતા બંનેના કેસ એબેટ કરાયા હતાં. ૨૧ વર્ષ બાદ ગઇકાલે ભાવનગરના પાંચમા એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ રાજેન્દ્રસિંઘની અદાલતમાં ચાલી જતા સાહેદોની જુબાની, લેખિત-મૌખિક પુરાવા અને એપીપી જાગૃતિબેન પંડયાની દલિલોને ધ્યાન પર લઇ ન્યાયમૂર્તિશ્રીએ આરોપી ઘેલા માવજીભાઇ ચુડાસમા, લીલીબેન ઘેલાભાઇ ચુડાસમા, સોનાબેન નાનજીભાઇ ચુડાસમાને તકસીરવાન ઠરાવી ઇપીકો ૩૨૪ સાથે વાંચતા કલમ ૧૪૯ મુજબના ગુનામાં તમામને બે વર્ષ સાદી કેદની સજા અને પાંચ હજારનો દંડ તેમજ ઇપીકો ૩૨૩ મુજબના ગુનામાં છ માસ સાદી કેદની સજા અદાલતે ફરમાવી હતી.