સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળકોને શિક્ષણ આપવા માટે વિશિષ્ટ શિક્ષકોની જરૂર પડે છે, તો અન્ય ક્ષેત્રમાં પણ આવા બાળકોને આગળ વધારવા ખાસ માવજત અને કેળવણીની આવશ્યકતા રહેતી હોય છે. પીએનઆર સોસાયટી સંચાલિત નટરાજ સીપી સ્કૂલના શિક્ષકો અને સંચાલકોની જહેમતથી અહીંના બાળકો વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવતા હોય છે. આ વર્ષે ૪ થી ૮ મે દિલ્હી ખાતે આયોજિત નેશનલ સ્પોર્ટસ ઈવેન્ટમાં આ શાળાના બાળકો ભાગ લેવા જઈ રહ્યા છે. દિલ્હી ખાતે સીપી એસએફઆઈ એટલે કે સેરેબ્રલ પાલ્સી સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ બાળકોની નેશનલ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાતી હોય છે. આ ઈવેન્ટમાં સ્ટેટ લેવલ સુધી જે બાળકો પહોંચ્યા હોય તેઓને જ તક મળતી હોય છે. આ વર્ષે ગુજરાતમાંથી આ રમતોત્સવમાં ૨૦ બાળકો પસંદગી પામ્યા છે. જેમાં ૨૦ પૈકી નટરાજ સીપી સ્કૂલના ૫ બાળકો વિશિષ્ઠ શિક્ષક કાર્તિકભાઈ એમ.વ્યાસ અને વરૂણભાઈ એમ.વ્યાસના નેતૃત્વમાં આ ઈવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ બાળકો ગોળાફેંક, ડિસ્ક થ્રો, ૧૦૦ મીટર દોડ જેવી રમતોમાં ભાગ લેશે. ઉલ્લેખનિય છે કે, મહાકુંભ સહિતના રમતોત્સવમાં આ બાળકો મોટી સંખ્યામાં વિજેતા બની ગૌરવ વધારતા હોય છે અને આ નેશનલ ઈવેન્ટમાં સંસ્થાના બાળકો પ્રથમવાર ભાગ લેવા જઈ રહ્યા છે, ત્યારે ટ્રસ્ટીઓએ શુભેચ્છા પાઠવી છે.