ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે કોંગ્રેસ છોડયાની સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું – કોંગ્રેસ છોડવાનું મારું સ્ટેન્ડ ક્લિયર છે, નવા જોડાણ અંગે સસ્પેન્સ રાખ્યું
ચૂંટણી પૂર્વે જુદા જુદા રાજકીય પક્ષોમાં અસંતોષનો ઉકળતો ચરુ બહાર આવી રહ્યો છે. જોકે, હાલ કોંગ્રેસ આ મુદ્દાનો સૌથી વધુ સામનો કરી રહી છે, બે દિવસ પૂર્વે હાર્દિક પટેલએ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની નિણર્ય શક્તિના અભાવ મામલે નારાજગી જતાવી હતી ત્યાં આજે ભાવનગરમાં કોંગ્રેસના યુવા અને સાથે દમદાર કહી શકાય તેવા ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ -માલપરે કોંગ્રેસ છોડી દેવા તૈયારી દેખાડી હાર્દિક પટેલની વાતમાં જાણે સુર પુરાવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા મારફત સંજયસિંહ સૂચક પોસ્ટ કરતા રહ્યા હતા અને આજે આખરે પોતે કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું સ્ટેન્ડ ક્લિયર હોવાનું જણાવ્યું હતું પરંતુ રાજીનામું આગામી દિવસોમાં આપશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે કોંગ્રેસમાં આગેવાનો, કાર્યકરો પક્ષની નિર્ણય શક્તિના અભાવ અને બીજા ત્રીજા કારણોસર દુઃખી જણાય રહ્યા છે. જોકે, કોંગ્રેસમાંથી ભાજપમાં ભળવાનો પ્રવાહ મહત્તમ રહ્યો છે. તાલુકા સ્તરેથી લઈ યુવા સંગઠનમાં પ્રદેશ મહામંત્રી, પ્રદેશ સંગઠનમાં મંત્રી વિગેરે જવાબદારી નિભાવી પરિણામલક્ષી કામગીરી કરનાર સંજયસિંહ ગોહિલને શંકરસિંહ વાઘેલા ’બાપુ’ની નજીક માનવામાં આવે છે. જોકે, બાપુ નિષ્ક્રિય થયા બાદ પણ સંજયસિંહ કોંગ્રેસમાં સક્રિય રહ્યા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી નારાજગીનો સુર આલાપ્યો હતો.
સંજયસિંહ માલપર કોંગ્રેસ સાથે પક્ષ ફાડે છે તેના કરતાં હવે તેઓ ક્યાં પક્ષ સાથે હાથ મિલાવે છે.? તેના પર મીટ છે. આજે સ્થાનિક રાજકીય વર્તુળમાં આ મુદ્દો ચર્ચાનો રહ્યો હતો. તેમણે ટેલિફોનિક વાતચીતમાં પોતે કોંગ્રેસ છોડી રહ્યા છે તે મકકમ નિર્ધાર છે અને નજીકના દિવસમાં પોતે રાજીનામુ આપશે તેમ જણાવ્યું હતું. પરંતુ કઈ પાર્ટી સાથે જોડાય છે તે અંગે મગનું નામ મરી પાડ્યું ન હતું. દરમિયાનમાં તેઓ રાજકીય સંન્યાસ લે છે કે ભાજપ અથવા આપ સાથે જોડાય છે.?! તે અંગે સસ્પેન્સ વધી ગયું છે. બીજી બાજુ સૂત્રો મુજબ બે ચાર દિવસમાં જ નવાજુની જોવા મળશે. વધુમાં ચૂંટણી નજીક આવતા પક્ષ છોડવાની અને પક્ષ પલટો કરવાના વધુ કેટલાક કિસ્સા જોવા મળશે તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઢડાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારુએ રાજયસભા ચૂંટણી વેળાએ રાજીનામુ આપ્યા બાદ થોડા દિવસો પૂર્વે ભાજપમાં જોડાઈ ગયા છે.
કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગેરહાજરીનો મુદ્દો છવાયેલો રહ્યો !
ગઈકાલે કોંગ્રેસના રાજયસભા સાંસદ અને પ્રદેશના સહ પ્રભારી સહિતની નેતાગીરીના નેતૃત્વમાં ભાવનગર જિલ્લાની કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી. આ સમયે જ સોશિયલ મીડિયા પરની પોસ્ટ વાયરલ થતા અને ઉક્ત ચિંતન શિબિરમાં ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહની સુચક ગેરહાજરીનો મુદ્દો છવાયો હતો.