ભાષા ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરતાં શિક્ષકોનું સન્માન

53

ધ્રુપકા શાળાના શિક્ષકના વાસરિકા ઇનોવેશનને રાજ્ય કક્ષાએ એવોર્ડ
માતૃભાષા અભિયાન અને શિક્ષણ મહા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વિશિષ્ટ શિક્ષક સન્માન ઍવોર્ડ સમારોહ જાણીતા હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરની વિશેષ ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાયો હતો. જેમાં સમુદાય શિક્ષણ ભવન અમદાવાદ દ્વારા વિશિષ્ટ શિક્ષક સન્માન ઍવોર્ડ તેમજ સંશોધન પરિસંવાદ અંતર્ગત રાજ્યમાં ભાષાક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરતાં શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે . આ વરસે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ત્રણ ઇનોવેટીવ શિક્ષકમાં ભાવનગર જિલ્લાની સિહોર તાલુકાની ધ્રુપકા શાળાના મદદનીશ શિક્ષક હિંમતભાઇ એસ.રાઠોડના ‘વાસરિકા ‘ઇનોવેશનને રાજ્યના પ્રથમ ત્રણમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ શિક્ષક સન્માન સમારોહમાં રતિલાલ બોરીસાગરે વાચન ઉપર ભાર મુકી પુસ્તક વાંચન એ સંસ્કાર ઘડતરની કળા છે તેમ જણાવી ભાવનગરના મધ્યકાલીન કવયિત્રી ગંગાસતીના ભજનોને યાદ કરેલ. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઇ આવી મહાન પંક્તિ ગુજરાતી સાહિત્યમાં બહુ જૂજ જોવા મળે છે . એવું ભારપૂર્વક જણાવ્યું હતું. બીજું ઇનોવેશન આણંદ જિલ્લાના રાજેશભાઇ પટેલ પ્રજ્ઞાવર્ગ અંગેનું હતું. અને ત્રીજું ઇનોવેશન આણંદ જિલ્લાના જેનીશાબહેન શાહ દ્વારા લોકડાઉન દરમ્યાન તેઓએ કરેલ વિશિષ્ટ પ્રવૃતિઓ અને શેરી શિક્ષણ અંગેનું હતું . આ ત્રણેય શિક્ષકોનું ટ્રોફી , શાલ અને ગાંધીજીવનના પાંચ પુસ્તકો દ્વારા સન્માન કરાયું હતું . આ ત્રણેય શિક્ષકોને માતૃભાષા સંસ્થા દ્વારા તેમના શ્રેષ્ઠ ઇનોવેશન બદલ રૂપિયા સાત હજારના ચેક પણ પુરસ્કારરૂપે એનાયત કરાયા હતા

Previous articleઘોઘાના દરિયાકિનારે પોલીસનુ ઓપરેશન સાગર સુરક્ષા કવચ
Next articleશૂલમાં નવાઝુદ્દીન સિદ્દિકીએ વેઈટરનો રોલ કર્યો હતો