મુંબઈ, તા.૨૮
ટીવી એક્ટ્રેસ આસ્થા ચૌધરી લગ્નના તાંતણે બંધાઈ ગઈ છે. આસ્થાએ ડૉક્ટર આદિત્ય બેનર્જી સાથે ૨૫ એપ્રિલે લગ્ન કર્યા છે. આદિત્યના વતન પ્રયાગરાજમાં લગ્ન યોજાયા હતા. હવે આસ્થાના વતન અલવર (રાજસ્થાન)માં ૨૯ એપ્રિલે રિસેપ્શન યોજાશે. લગ્નમાં આસ્થાના નજીકના ફ્રેન્ડ્સ પલ્લવી ગુપ્તા, નૂપુર જોષી અને મોહિત દાગા ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે યોજાનારા રિસેપ્શનમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી કેટલાક કલાકારો હાજરી આપી શકે છે. લગ્નના લગભગ દોઢ મહિના પહેલા આસ્થાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન સાદગીથી યોજવામાં આવશે. આસ્થાએ જણાવ્યું હતું કે, તેણે વૃંદાવનમાં લગ્ન કરવાનું આયોજન કર્યું હતું પરંતુ અંગત કારણોસર ત્યાં ના કરી શક્યા. એ વખતે આસ્થાએ કહ્યું હતું, “હું અને આદિત્ય વૃંદાવનમાં પરણી ના શક્યા ત્યારે હવે ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ લેવા માટે અમે હોળીની આસપાસ ત્યાં જઈશું. અમે અમારા લગ્નની કંકોત્રી અને લગ્નની વીંટી પણ ઈશ્વરના ચરણોમાં મૂકીશું. અમારા જીવનની નવી શરૂઆતમાં શ્રીકૃષ્ણના આશીર્વાદ મળી રહે તેવી ઈચ્છા છે. આસ્થાએ લગ્ન વિશે વાત કરતાં કહ્યું, હું અને આદિત્ય માનીએ છીએ કે સાદગીમાં જ સુંદરતા છે. એટલે જ અમે અમારી લગ્ન વિધિ બને તેટલી સાદી રાખવા માગતા હતા. અમે નહોતા ઈચ્છતા કે કોઈપણ પ્રકારની ભવ્યતા અમે જે ક્ષણો આખી જિંદગી વાગોળવાના છીએ તેને ખરાબ કરે. અમારા લગ્નમાં અંગત પરિવારજનો, મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા. આસ્થાએ લગ્ન વિશે વધુ વિગતો આપતાં આગળ કહ્યું, હું હંમેશાથી વૈદિક વિધિથી લગ્ન કરવા માગતી હતી. હું લગ્નને ગ્રાન્ડ બનાવવા માટે તેની પાછળ મોટી રકમ ખર્ચી નાખવાના મતની નથી. એટલે અમારા લગ્નમાં પણ બધા ફંક્શન સાદગીથી થયા હતા. લગ્નના બે દિવસ પહેલા એટલે કે ૨૩ એપ્રિલથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયા હતા. હું મોંઘો લહેંગો ખરીદવા નહોતી માગતી. એટલે મેં ગોટા વર્કવાળી લાલ સાડી પહેરવાનું પસંદ કર્યું. મેં સાડી પાછળ મસમોટી રકમ નથી ખર્ચી. મારા લગ્નનો આઉટફિટ કદાચ અત્યાર સુધીનો સૌથી સસ્તો હશે. મારી સાડીની કિંમત ૭૫૦૦ રૂપિયા હતી. સાડી બહુ હેવી ના હોવાથી હું તેને અવારનવાર પહેરી શકીશ. આસ્થાના હોમટાઉન અલ્વરમાં રિસેપ્શન યોજાવાનું છે. કપલે જૂન મહિનામાં હનીમૂન પર જવાનું પ્લાનિંગ કર્યું છે. તેણે કહ્યું, “અમે ૫ મેના રોજ મુંબઈ પાછા આવીશું. અમે સામાન્ય જીવનમાં ગોઠવાતા પહેલાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માગીએ છીએ. અમે જૂનમાં હનીમૂન માટે વિયતનામ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે, આસ્થા અને આદિત્યની મુલાકાત જાન્યુઆરી મહિનામાં એક કોમન ફ્રેન્ડે કરાવી હતી. પહેલી નજરે જ બંને એકબીજાની આંખમાં વસી ગયા હતા. પ્રેમ પાંગરતા કપલે ફટાફટ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, આસ્થા ’સાત ફેરેઃ’, ’બાબુલ કા આંગન છૂટે ના’, ’એસે કરો ના વિદા’, ’કેસરી નંદન’ જેવી સીરિયલોમાં જોવા મળી છે.