પૂર્વોત્તર ક્ષેત્રથી આફસ્પાને સંપૂર્ણપણે હટાવવા કેન્દ્રના પ્રયાસ જારી : મોદી

43

૮ વર્ષમાં પૂર્વોત્તર રાજ્યોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાનો દાવો : ત્રણ દાયકામાં આસામની અગાઉની સરકારોએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો ન થવાથી આફસ્પાને વારંવાર લંબાવ્યો હોવાનો વડાપ્રધાનનો દાવો
ગુવાહટી, તા.૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે પૂર્વોત્તર ક્ષેત્રમાંથી આફસ્પાને સંપૂર્ણપણે હટાવવાના પ્રયાસો ચાલુ છે. દીફૂમાં ’શાંતિ, એકતા અને વિકાસ’ રેલીને સંબોધતા, તેમણે કહ્યું કે આ પ્રદેશના વિવિધ ભાગોમાંથી આફસ્પા પાછી ખેંચી લેવામાં આવી શકે છે કારણ કે છેલ્લા આઠ વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે કહ્યું હતું કે કાયદાના અમલીકરણથી ફેરફારો લાવવામાં આવતા વિસ્તારમાં હિંસામાં ૭૫ ટકા ઘટાડો થવા સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે કહ્યું કે પહેલા ત્રિપુરામાં અને પછી મેઘાલયમાં આફ્સ્પા (એએફએસપીએ) હટાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં, આસામની અગાઉની સરકારોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં કોઈ સુધારો ન થવાને કારણે આફસ્પાને વારંવાર લંબાવ્યો હતો. છેલ્લા આઠ વર્ષમાં, સ્થિતિ નિયંત્રણમાં લાવવાના કારણે રાજ્યના મોટાભાગના ભાગોમાંથી આફસ્પા હટાવી દેવામાં આવ્યો છે. અમે તેને બાકીના ભાગોમાંથી પણ પરત લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કાયદો નાગાલેન્ડ, આસામ અને મણિપુરના કેટલાક વિસ્તારોમાં લાગુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના દીફૂમાં રેલીને સંબોધન કર્યું હતું આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્બી આંગલોંગમાં માંજા વેટરનરી કોલેજ, વેસ્ટ કાર્બી આંગલોંગ એગ્રીકલ્ચર કોલેજ, અંપાની વેસ્ટ કાર્બી આંગલોંગ સરકારી કોલેજ સહિત અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશમાં એક નવી તાકાત સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નેટવર્કને વેલનેસ સેન્ટરના રૂપમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આયુષ્માન ભારત હેઠળ, ભારત સરકાર ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા પણ આપી રહી છે. ૨૦૧૪ પહેલા માત્ર ૭ એઈમ્સ હતા, હવે ૧૬ નવા એઈમ્સ છે. કેન્સર સેન્ટરનું ઉદ્‌ઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, હોસ્પિટલો તમારી સેવામાં છે પરંતુ જો આ નવી હોસ્પિટલો ખાલી રહેશે તો મને ખુશી થશે. હું તમારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. અમારી સરકારે યોગ, ફિટનેસ, સ્વચ્છતાની સાથે સ્વાસ્થ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. દેશમાં નવા પરીક્ષણ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ડિબ્રુગઢ જિલ્લામાં કેન્સર સારવાર કેન્દ્રનું ઉદ્‌ઘાટન કર્યું. કેન્દ્રનું નિર્માણ ’આસામ કેન્સર કેર ફાઉન્ડેશન’ દ્વારા કરવામાં આવ્યું છે, જે રાજ્ય સરકાર અને ટાટા ટ્રસ્ટ્‌ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ડિબ્રુગઢમાં આ કેન્દ્ર એસીસીએફ દ્વારા વિકસાવવામાં આવી રહેલા ૧૭ તબીબી કેન્દ્રોમાંનું એક છે. જેમાંથી સાતનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન મોદી રાજ્યની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન કર્યું.
મોદીએ કેન્દ્રની બહાર એક તકતીનું પણ અનાવરણ કર્યું હતું. આ દરમિયાન આસામના રાજ્યપાલ જગદીશ મુખી, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા હાજર હતા. મોદીએ આસામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સ્થિત કેન્દ્રમાં સુવિધાઓ અને સાધનોનું નિરીક્ષણ કર્યું હતું.
મોદી આ જ કાર્યક્રમમાં ધુબરી, ગોલપારા, ગોલાઘાટ, શિવસાગર, નલબારી, નાગાંવ અને તિનસુકિયામાં સાત હોસ્પિટલોનો શિલાન્યાસ પણ કર્યું. ટાટા ટ્રસ્ટના પ્રવક્તાએ અગાઉ જણાવ્યું હતું કે આવા ત્રણ વધુ કેન્સર સારવાર કેન્દ્રો પૂર્ણતાને આરે છે અને આ વર્ષના અંતમાં તેનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે.
ઉદ્યોગપતિ રતન ટાટાએ આસામના ડિબ્રુગઢમાં એક કાર્યક્રમમાં કહ્યું કે હું મારા છેલ્લા વર્ષો સ્વાસ્થ્યને સમર્પિત કરી રહ્યો છું. આસામને એવું રાજ્ય બનાવો જ્યાં દરેકને ઓળખ મળે અને દરેક તેને ઓળખે. જણાવી દઈએ કે અહીં પ્રધાનમંત્રી મોદી અત્યાધુનિક કેન્સર સેન્ટરનું ઉદ્‌ઘાટન કર્યુ અને ૭ નવા કેન્સર સેન્ટરનો શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કાર્બી આંગલોંગ પણ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન શાંતિ અને વિકાસના નવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. હવે અહીંથી આપણે પાછળ વળીને જોવાની જરૂર નથી. આવનારા કેટલાક વર્ષોમાં, આપણે તે વૃદ્ધિની ભરપાઈ કરવી પડશે જે આપણે પાછલા દાયકાઓમાં કરી શક્યા નથી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જલ જીવન મિશનની શરૂઆત પહેલા ૨ ટકાથી પણ ઓછા ગામડાઓમાં પાઈપ દ્વારા પાણી પહોંચતું હતું, જ્યારે હવે ૪૦ ટકા ઘરોમાં પાઈપથી પાણી પહોંચ્યું છે. મને ખાતરી છે કે વહેલામાં વહેલી તકે આસામના દરેક ઘરને પાઈપથી પાણી મળી જશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રના વિકાસ માટે અને રાજ્યના વિકાસ માટે શહેરો અને ગામડાઓનો વિકાસ ખૂબ જ જરૂરી છે. ગામડાઓનો યોગ્ય વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે સ્થાનિક જરૂરિયાતો, સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ વિકાસની યોજનાઓ બનાવવામાં આવે અને તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવે.

Previous articleમાઇકની અવદશા જોઇને અમે કોઇના પણ માઇક ન બનવાનો નિર્ણય કર્યો!!
Next articleગૃહ મંત્રાલયે @Cyber Dost ટિ્‌વટર હેન્ડલ લૉન્ચ કર્યું